બૅન્ગલોરમાં આજે રનોત્સવ

Published: 7th October, 2011 19:48 IST

બૅન્ગલોર: મિની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) જેવી ગણાતી ચૅમ્પિયન્સ લીગ T20 ટુર્નામેન્ટની આજની પ્રથમ હાઈ-વૉલ્ટેજ સેમી ફાઇનલ  (ઈએસપીએન અને સ્ટાર ક્રિકેટ પર રાત્રે ૮.૦૦) હાઇ-સ્કોરિંગવાળી બની રહેશે અને બન્ને ઇનિંગ્સમાં રનોનો ડુંગર બનતો જોવા મળશે એની પાકી સંભાવના છે. આનું સૌથી મોટું કારણ એ છે કે બન્ને ટીમ પાસે બૅટિંગ પાવરહાઉસ છે.

 

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝ વચ્ચેની પ્રથમ સેમીમાં ગેઇલ, દિલશાન, કોહલી, તિવારી, વૉર્નર, વૉટ્સન, સ્ટીવન સ્મિથ અને હેન્રિક્સ મળીને રનોનો ખડકલો કરી દેશે

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર પાસે ક્રિસ ગેઈલ, તિલકરત્ને દિલશાન, વિરાટ કોહલી, સૌરભ તિવારી તેમ જ ડેનિયલ વેટોરી છે. બીજી બાજુ ૨૦૦૯ની ચૅમ્પિયન્સ લીગમાં ચૅમ્પિયન બનનાર ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝની ટીમમાં ચૅમ્પિયન્સ લીગના બૅટ્સમેનોમાં અણનમ ૧૩૫ રન સાથે સુપરસ્ટાર બની ગયેલો ડેવિડ વૉર્નર તેમ જ શેન વૉટ્સન, સ્ટીવન સ્મિથ અને મોઇઝેઝ હેન્રિક્સનો સમાવેશ છે.

આ ટુર્નામેન્ટની આગલી ચાર મૅચોમાં વૉર્નર, દિલશાન અને કોહલીના રનોનો સરવાળો કરીએ તો તેમણે ૧૫૨ બૉલમાં કુલ ૨૭૯ રન ફટકાર્યા છે જેના પરથી જ અંદાજ આવી જાય છે કે આજની સેમી ફાઇનલમાં મુખ્ય બૅટ્સમેનોમાંથી કોઈની મોટી ઇનિંગ્સ જ નિર્ણાયક સાબિત થશે.

કોણ કેવી રીતે સેમીમાં?

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર

  • ધ શેવરોલે વૉરિયર્સ સામે ૩ વિકેટે હાર
  • કલકત્તા નાઇટ રાઇડર્સ સામે ૯ વિકેટે હાર
  • સમરસેટ સૅબર્સ સામે ૫૧ રનથી જીત
  • સાઉથ ઑસ્ટ્રેલિયા સામે બે વિકેટે વિજય


ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝ

  • કેપ કોબ્રાઝ સામે ૭ વિકેટે હાર
  • ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગો સામે ટાઇ પછી સુપરઓવરમાં જીત
  • મુંબઈ ઇન્ડિયન્સ સામે પાંચ વિકેટે જીત
  • ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૪૬ રનથી વિજય

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK