૨૦૧૧ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન સેમી ફિક્સ થઈ હોવાનો ફરી આક્ષેપ થતાં સનસનાટી

Published: 11th November, 2012 03:55 IST

ભારતીય બુકી પાર્થિવની ટ્વીટ પરથી બ્રિટિશ પત્રકારે ફિક્સિંગના પર્દાફાશનો કર્યો દાવો, એડ હૉકિન્સે બુકમાં લખ્યું છે કે ચાર વખત સચિનનો કૅચ ડ્રૉપ થયો ત્યારે જ મને શંકા થયેલીલંડન : આવતા મહિને ભારતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી ક્રિકેટસિરીઝ યોજાવાની તૈયારીઓ થઈ રહી છે ત્યાં બીજી ઇંગ્લૅન્ડના મિડિયામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલ ફિક્સ થઈ હોવાની સંભાવના બતાવતો અહેવાલે ગઈ કાલે ચકચાર મચાવી હતી.

આ આક્ષેપ સ્પોર્ટ્સના બેટિંગમાં બનતી ઘટનાઓ પર અહેવાલો અને સ્ટોરીઓ આપતા એડ હૉકિન્સ નામના ઇંગ્લૅન્ડના પત્રકારે કર્યો છે. તેમણે આ આક્ષેપ ‘બુકી, ગૅમ્બલર, ફિક્સ, સ્પાય’ ટાઇટલવાળા પોતાના નવા પુસ્તકમાં કર્યો છે. થોડા મહિના પહેલાં પણ આ સેમી ફાઇનલ વિશે ફિક્સિંગનો આક્ષેપ થયો હતો.

ભારત-પાકિસ્તાન સેમી ફાઇનલ ૩૦ માર્ચ ૨૦૧૧ના દિવસે મોહાલીમાં રમાઈ હતી. ૮૫ રન બનાવનાર અને આઠમી વિકેટના રૂપમાં આઉટ થયેલા વહાબ રિયાઝનો કૅચ પકડનાર સચિન તેન્ડુલકરને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

હૉકિન્સે પુસ્તકમાં ખાસ ઉલ્લેખમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાને ૨૦ રનની આસપાસના માર્જિનથી હારવાનું નક્કી કર્યું હતું. પાકિસ્તાની ફીલ્ડરોએ ફસ્ર્ટ બૅટિંગમાં ૮૫ રન બનાવનાર સચિન તેન્ડુલકરના કૅચ ચાર વખત કેમ છોડ્યા ત્યારે મને મૅચના પરિણામ વિશે શંકા થવા લાગી હતી.’

પાર્થિવ નામના બુકીની સચોટ ટ્વીટ

હૉકિન્સે બુકમાં લખ્યું છે કે ‘ભારતે બૅટિંગ લીધી હતી અને ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૬૦ રન બનાવ્યા હતા જેમાં ઓપનિંગમાં સચિનના ૮૫ રન ઉપરાંત ખાસ કરીને વીરેન્દર સેહવાગના ૩૮ રન તેમ જ ગૌતમ ગંભીરના ૨૭ અને સુરેશ રૈનાના અણનમ ૩૬ રનનો સમાવેશ હતો. પેસબોલર વહાબ રિયાઝે પાંચ અને સ્પિનર સઈદ અજમલે બે વિકેટ લીધી હતી.

હૉકિન્સે પુસ્તકમાં લખ્યું છે કે ભારતની ઇનિંગ્સ પૂરી થઈ કે તરત તેમને પાર્થિવ નામના ભારતીય બુકીનું ટ્વીટ મળ્યું હતું જેમાં તેણે આવું લખ્યું હતું : ભારત પહેલાં બૅટિંગ કરીને ૨૬૦ રન બનાવશે, પાકિસ્તાન પહેલી ૧૫ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવશે, પાકિસ્તાન જેમતેમ કરીને ૧૦૦ રન સુધી પહોંચશે અને પછી ગણતરીની ઓવરોમાં બે વિકેટ ગુમાવશે, ૧૫૦ના ટોટલ પર તેમની પાંચ વિકેટ હશે અને પછી ધબડકો શરૂ થશે અને પાકિસ્તાન ૨૬ રનના માર્જિનથી હારી જશે.

હૉકન્સ ફિક્સિંગને લગતી કેટલીક અગાઉની તપાસ દરમ્યાન બુકી પાર્થિવ સાથે સંપર્કમાં આવ્યા હતા.

પાર્થિવના ટ્વીટમાં કહેવામાં આવેલી વિગતો અને મૅચના ઉતાર-ચડાવ વચ્ચે મોટા ભાગે સરખાપણું જોવા મળ્યું હતું : ભારતે પ્રથમ બૅટિંગ લઈને બરાબર ૨૬૦ રન બનાવ્યા હતા, પાકિસ્તાને પહેલી ૧૫ ઓવરમાં ત્રણ વિકેટ તો નહોતી ગુમાવી પણ ૧૬મી ઓવરમાં બીજી વિકેટ તો પડી જ હતી, ૨૬૧ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાન ૨૪મી ઓવરમાં જેમતેમ કરીને ૧૦૦ રનના આંકડા સુધી પહોંચ્યું હતું અને ત્યાર પછી એ જ ઓવરમાં ત્રીજી વિકેટ અને ૨૬મી ઓવરમાં ચોથી વિકેટ પડી હતી, ૧૫૦ના આંકડા પર તેમની પાંચ નહીં પણ છ વિકેટ હતી અને ત્યાર બાદ ધબડકો થતો રહ્યો હતો અને પાકિસ્તાન સેકન્ડલાસ્ટ બૉલે ૨૩૧મા રને ઑલઆઉટ થતાં ૨૯ રનથી હારી ગયું હતું. ઝહીર ખાન, આશિષ નેહરા, મુનાફ પટેલ, યુવરાજ સિંહ અને હરભજન સિંહે બે-બે વિકેટ લીધી હતી.

મુંબઈના જતીન ઠક્કરનો પણ સંપર્ક

હૉકિન્સે પુસ્તકમાં વર્લ્ડ કપની સેમીના ફિક્સિંગ વિશેની વાતમાં એવું પણ લખ્યું છે કે ‘મેં મુંબઈના જતીન ઠક્કર નામના આંકડાશાસ્ત્રીને ફોન કરીને પૂછ્યું હતું કે પાર્થિવે પાકિસ્તાનની સેમી ફાઇનલની ઇનિંગ્સની જે રીતે આગાહી કરી છે એવું અગાઉ એની કોઈ મૅચમાં બન્યું હતું કે નહીં એ મને તમારા ડેટાબેઝ પરથી જણાવો. ઠક્કરે મને થોડી વાર પછી કહ્યું હતું કે આવું અગાઉ જવલ્લે જ એટલે ૨૪૩૪ વન-ડેમાં માત્ર ૬ વખત બન્યું હતું. આ આંકડાઓ પરથી મને લાગ્યું કે પાર્થિવે અનુમાન માટે કોઈ મૅચની મદદ લીધી હોય એવી સંભાવના બહુ ઓછી લાગે છે.’

મિસબાહ સેકન્ડલાસ્ટ બૉલે આઉટ

પાકિસ્તાને દોઢસો રનમાં છ વિકેટ ગુમાવ્યા પછી ૧૮૪મા રને શાહિદ આફ્રિદી (૧૯ રન)ની, ૧૯૯મા રને રિયાઝ (૮ રન)ની, ૨૦૮મા રને ઉમર ગુલ (બે રન)ની અને ૫૦મી ઓવરના પાંચમા બૉલે મિસબાહ-ઉલ-હક (૫૬)ની વિકેટ ગુમાવી હતી અને પાકિસ્તાનનો ૨૯ રનથી પરાજય થયો હતો.

તપાસ નહીં : આઇસીસી


ભારત-પાકિસ્તાન સેમીના ફિક્સિંગને લગતા આક્ષેપના પ્રત્યાઘાતમાં આઇસીસીના એ સમયના ચીફ એક્ઝિક્યુટિવ હારુન લૉર્ગેટે કહ્યું હતું કે ‘આ મૅચની તપાસ કરવાને કોઈ કારણ નથી. તપાસ કરવી પડે એવી કોઈ સાબિતી જ નથી મળી. સૌથી સફળ વર્લ્ડ કપની સેમી વિશે નક્કર પુરાવા વગર આક્ષેપો કરવા એ ખેદજનક બાબત કહેવાય.’

ફિક્સિંગનો આક્ષેપ વાહિયાત : અજમલ

પાકિસ્તાની સ્પિનર સઈદ અજમલે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારત અને પાકિસ્તાનના ક્રિકેટસંબંધો ફરી વિકસી રહ્યા છે એટલે એમાં વિઘ્નો ઊભાં કરવાના હેતુથી ફિક્સિંગનો નવો આક્ષેપ થયો છે. આ આક્ષેપ વાહિયાત છે’

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK