IPL 2020: કોરોનાને કારણે નિયમોમાં મોટા ફેરફાર, જાણો શું છે નવા નિયમો

Updated: 18th September, 2020 14:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

શનિવારથી શરૂ થતી મેચમાં દરેક ટીમોએ કડકાઈથી નવા નિયમોનું પાલન કરવું પડશે

19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે IPL 2020
19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે IPL 2020

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સીઝન એટલે કે IPL 2020ને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. 19 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થનારી IPL ની સીઝન 13 માટે સહુ કોઈ ઉત્સુક છે. સામાન્ય રીતે આ ટૂર્નામેન્ટ ભારતમાં દર વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં રમાતી હોય છે. પરંતુ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને કારણે આ વખતે આ ટૂર્નામેન્ટ દુબઈમાં યોજાઈ રહી છે. 10 નવેમ્બર સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં આ વખતે અનેક મોટા ફેરફાર જોવા મળશે. મૂળે કોરોનાના કારણે આ વખતે IPL 2020 રદ થવાના અણસાર હતા. પરંતુ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે લાંબી ચર્ચા-વિચારણા બાદ આ ટૂર્નામેન્ટનો લીલી ઝંડી આપી છે. જેથી ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા એ જરૂરી છે કે આપણે નવા નિયમોને જાણી લઈએ.

1. થૂંકનો ઉપયોગ નહીં

સામાન્ય રીતે ક્રિકેટમાં બોલને સ્વિંગ કરાવવા માટે થૂંકનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસના કારણે આ વખતે ખેલાડીઓને તેની મંજૂરી નહીં મળે. ICCએ કોરોનાના કારણે બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દરેક ટીમને બે વાર ચેતવણી આપવામાં આવશે. ત્રીજી વારમાં પેનલ્ટી રૂપે વિપક્ષી ટીમના ખાતામાં પાંચ રન ઉમેરી દેવામાં આવશે. સાથોસાથ ટૉસ બાદ બન્ને ટીમના કૅપ્ટન એક બીજા સાથે હાથ નહીં મેળવી શકે. આ નિયમ પ્રથમ વખત આઈપીએલમાં લાગુ થશે.

2. અનલિમિટેડ કોરોના સબ્સ્ટીટ્યૂટ

કોરોનાના વધતા સંક્રમણને કારણે આ વખતે અનલિમિટેડ કોરોના સબ્સ્ટીટ્યૂટની જોગવાઈ રાખવામાં આવી છે. એટલે કે ટૂર્નામેન્ટમાં કોઈ ખેલાડીને કોરોના થતાં ટીમ તેના સ્થાને બીજા ખેલાડીને ટીમમાં સામેલ કરી શકશે. નિયમ મુજબ, બેટ્સમેનને બેટ્સમેન અને બૉલરને માત્ર બૉલર જ રિપ્લેસ કરી શકશે.

3. નો-બોલ પર ડાયરેક્ટ થર્ડ અમ્પાયરની નજર

પહેલીવાર આઈપીએલમાં થર્ડ અમ્પાયર નો-બોલ ચેક કરશે. હવે મેચમાં થર્ડ અમ્પાયર બોલરનો ફ્રન્ટફૂટ નો-બોલ ચેક કરશે અને ગ્રાઉન્ડ અમ્પાયરને આ જોવાની જરૂર રહેશે નહીં. ગયા વર્ષે ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે સિરીઝમાં પણ થર્ડ અમ્પાયરે જ નો-બોલ ચેક કર્યો હતો.

4. ડબલ હેડર

આ વખતે 10 દિવસ ડબલ હેડર રાખવામાં આવ્યા છે. એટલે કે 10 દિવસમાં એક દિવસ બે મેચ રમાશે.

5. 53 દિવસની ટૂર્નામેન્ટ

આ વખતે કોરોનાના કારણે આઈપીએલ 53 દિવસ સુધી રમાશે. એટલે કે છેલ્લી બે સીઝન કરતા ત્રણ દિવસ વધુ.

6. મેચ ટાઇમ

આ વખતે મેચોના પ્રારંભ થવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે અડધો કલાક પહેલા એટલે કે સાંજે 7:30 વાગ્યે મેચ શરૂ થશે. જે દિવસે બે મેચ રમાશે ત્યારે પહેલી મેચ 3:30 વાગ્યે શરૂ થશે. અગાઉ પહેલી મેચ 4 વાગ્યે અને બીજી મેચ 8 વાગ્યે શરૂ થતી હતી.

7. ચીયરલીડર્સ અને ચાહકો સ્ટેડિયમમાં નહીં આવે

આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત કોરોનાને કારણે ખાલી સ્ટેડિયમમાં મેચ રમવામાં આવશે. સ્ટેડિયમમાં ફૅન્સ અને ઉજવણી કરવા ચીયરલીડર્સ હાજર નહીં રહે. જોકે ફ્રેન્ચાઇઝ મેગા સ્ક્રીન પર ચીયરલીડર્સ અને ફૅન્સના રેકૉર્ડ કરેલા વિડિયોઝ દેખાડશે.

8. બાયો-સુરક્ષિત વાતાવરણ

આ એક એવું વાતાવરણ છે, જેમાં રહેતી વ્યક્તિ બહારની દુનિયા સાતે કોઈપણ રીતે સંપર્કમાં રહેતી નથી. એટલે કે આઈપીએલમાં ભાગ લેનારા ખેલાડીઓને સપોર્ટ સ્ટાફ, મેચ અધિકારી, હોટલ સ્ટાફ અને મેડિકલ ટીમ અને બહારની કોઈપણ વ્યક્તિ મળી શકતી નથી. બાયો-સિક્યોર નિયમ ભંગ કરનારાઓને આઈપીએલની આચારસંહિતા હેઠળ સજા કરવામાં આવશે. ખેલાડીને અમુક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. કેટલીક ટીમોએ પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે જો કોઈ ખેલાડી નિયમો તોડે તો તેની સાથેનો કરાર તોડવામાં આવી શકે છે.

હવે, બદલાયેલા નિયમ સાથે બદલાયેલી IPLની સિઝન 13 કેવી હશે તે જોવા આતુર છે સહુ કોઈ.

First Published: 18th September, 2020 14:27 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK