IPL 2020: રાજસ્થાન અને પંજાબ માટે આજે કરો યા મરો મુકાબલો

Published: 30th October, 2020 10:08 IST | Gujarati Mid-day Correspondent | Abu Dhabi

સતત પાંચ મૅચ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર પંજાબ આજની મૅચ જીતીને પ્લે-ઑફની આશા જીવંત રાખવા પરિશ્રમ કરશે, જ્યારે ટુર્નામેન્ટમાં ટકી રહેવાનો મરણિયો પ્રયાસ કરતી દેખાશે રાજસ્થાન

સંજુ સેમસન, કે એલ રાહુલ
સંજુ સેમસન, કે એલ રાહુલ

ઇન્ડિયન પ્રીમિયર લીગના ૫૦મા મુકાબલામાં આજે લોકેશ રાહુલના નેતૃત્વવાળી પંજાબનો સામનો સ્ટીવન સ્મિથના નેતૃત્વવાળી રાજસ્થાન સામે થશે. પંજાબ માટે આ વખતની આઇપીએલ સીઝન ડ્રામાથી ભરપૂર રહી છે. શરૂઆતમાં અનેક મૅચ ગુમાવ્યા બાદ છેલ્લી પાંચ મૅચ જીતવામાં તેમને સફળતા મળી છે જેને કારણે પૉઇન્ટ-ટેબલ પર  એ -૦.૦૪૯ના રનરેટ સાથે ચોથા ક્રમે પહોંચી ગઈ છે. સામા પક્ષે રાજસ્થાન માટે આજની મૅચ જીતવી અત્યંત જરૂરી છે જેથી ટુર્નામેન્ટમાં એ ટકી શકે. રાજસ્થાન ૧૨માંથી માત્ર પાંચ મૅચ જીતીને પૉઇન્ટ-ટેબલ પર સાતમા ક્રમે છે.

પ્લે-ઑફમાં પ્રવેશ કરવા માગશે પંજાબ

સ્વાભાવિક છે કે સતત છેલ્લી પાંચ મૅચ જીતીને પંજાબે પોતાનો પાવર બતાવ્યો છે. એવામાં આજે રાજસ્થાન સામે રમાનારી મૅચ જીતીને તે પ્લે-ઑફમાં પ્રવેશ કરવાની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે. છેલ્લી પાંચ મૅચ જીતીને પંજાબ પૉઇન્ટ-ટેબલ પર ટૉપ-ફોર ટીમમાં સામેલ થઈ ગઈ છે અને આ સ્થાન તેમ જ ફૉર્મ ટીમ કેટલું ટકાવી શકે છે એ જોવા જેવું રહેશે. કૅપ્ટન લોકેશ રાહુલ, ક્રિસ ગેઇલ ઉપરાંત મયંક અગ્રવાલના સ્થાને રમવા આવેલા મનદીપ સિંહ પાસેથી સારા પર્ફોર્મન્સની આશા રાખી શકાય છે. મયંક અગ્રવાલ આજની મૅચ રમશે કે નહીં એ જોવાનું રહેશે. પંજાબની બોલિંગ શરૂઆતથી ટીમ માટે ચિંતાનો વિષય રહી છે, પણ પાછલી કેટલીક મૅચમાં એમાં સુધારો જોવા મળ્યો છે.

રાજસ્થાન માટે જીતવું એકમાત્ર વિકલ્પ

રાજસ્થાન માટે સારી વાત એ છે કે તેમનો પ્લેયર બેન સ્ટોક્સ ફૉર્મમાં છે અને મુંબઈ સામેની મૅચમાં તેણે ફટકારેલી ૧૦૭ રન (નૉટઆઉટ)ની પારીથી ટીમમાં નવો આત્મવિશ્વાસ સર્જાયો હશે. જો રાજસ્થાન આજની મૅચ ગુમાવે તો પ્લે-ઑફ માટેની તેની આશા લગભગ ખતમ થઈ જશે. બેન સ્ટોક્સ ઉપરાંત સંજુ સૅમસન પાસેથી ટીમને મોટા સ્કોરની ઉમ્મીદ હશે. બૅટિંગ ડિપાર્ટમેન્ટમાં જોસ બટલર અને સ્ટીવન સ્મિથ, જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જોફ્રા આર્ચર પાસેથી તેમને સારા પર્ફોર્મન્સની આશા હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK