IPL 2020: CSK vs KKR: ચેન્નઈ સામે થશે આજે કાર્તિક-પરીક્ષણ

Published: 7th October, 2020 10:56 IST | Gujarati Mid-day Correspondent | Abu Dhabi

નબળું ફૉર્મ અને ટીમના અસાતત્યભર્યા પર્ફોર્મન્સ તેમ જ વર્લ્ડ કપ વિનર કૅપ્ટન મૉર્ગનને કમાન સોંપવાના ગણગણાટ વચ્ચે કલકત્તાના કૅપ્ટન માટે દરેક મૅચ કટોકટીની બની રહેશે

ધોની અને કાર્તિક
ધોની અને કાર્તિક

આજે આઇપીએલમાં અબુ ધાબીમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ચેન્નઈના જ લાડકા ખેલાડી દિનેશ કાર્તિકના નેતૃત્વવાળી કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગ જામવાનો છે. ચેન્નઈ સતત ત્રણ મૅચ હાર્યા બાદ પંજાબ સામે ૧૦ વિકેટે સૉલિડ જીત સાથે શાનદાર કમબૅક કરીને બધાને સાવચેત કરી દીધા હતા, જ્યારે કલકત્તાએ હાર સાથે શરૂઆત કર્યા બાદ સતત બે મૅચ જીતીને લય મેળવી લીધો હતો, પણ છેલ્લે દિલ્હી સામે હારીને તેઓ ફસડાઈ પડ્યા હતા. ટીમની હાર માટે વારંવાર કૅપ્ટન દિનેશ કાર્તિક પર આંગળી ચીંધવામાં આવે છે અને તે પોતે પણ ચાર મૅચમાં માત્ર ૨૭ રન બનાવીને નબળા ફૉર્મમાં હોવાથી ડબલ પ્રેશર તેના પર આવી ગયું છે. ટીમના ઓઇન મૉર્ગન જેવો વર્લ્ડ કપ વિનર કૅપ્ટન હોવાથી તેને જવાબદારી સોંપવાનો ગણગણાટ થવા લાગ્યો છે. જોકે કલકત્તા મૅનેજમેન્ટ અત્યારે તો અમે કાર્તિકના પડખે છીએ એવો દાવો કરે છે, પણ વધુ એકાદ-બે હાર બાદ પરિસ્થિતિ બદલાઈ શકે છે.

રસેલ, મૉર્ગન, વૉટ્સન, પ્લેસિસ પર નજર

બન્ને ટીમ પાસે અનેક મૅચવિનર્સ છે. કલકત્તાનો આન્દ્રે રસેલ હજી ગયા વર્ષ જેવું મેદાન ગજવી નથી શક્યો, જ્યારે મૉર્ગન ધીમે-ધીમે મોકો મળતાં તેનો ટચ બતાવી રહ્યો છે. તો બીજી તરફ ફૅફ ડુ પ્લેસિસ પાસે તેનું સાતત્યભર્યું ફૉર્મ જાળવીને ઑરેન્જ કૅપ મેળવવાનો મોકો છે તો ખરાબ શરૂઆત બાદ પંજાબ સામે અણનમ ૮૩ રન સાથે સૉલિડ કમબૅક કર્યું છે. કેદાર જાધવને ટીમ જાળવી રાખે છે કે નહીં એના પર પણ નજર રહેશે.

ચેન્નઈ ૧૪, કલકત્તા ૮

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ ૨૨ મુકાબલા થયા છે જેમાં ચેન્નઈ ૧૪ અને કલકત્તાનો ૮ મૅચમાં વિજય થયો છે. ચેન્નઈએ એના ૧૪ વિજયમાં ૯ ચેઝ કરીને અને પાંચમાં પ્રથમ બૅટિંગ કરીને વિજય મેળવ્યો છે. જ્યારે કલકત્તાએ આઠેયમાં ચેઝ કરીને વિજય મેળવ્યા છે. પ્રથમ બૅટિંગ કરીને તેઓ ક્યારેય જીતી નથી શક્યા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK