IPL 2020: હૈદરાબાદ -દિલ્હી માટે જીતના ઝરૂરી હૈ

Published: 27th October, 2020 15:25 IST | Dinesh Savalia | Dubai

આજના જંગ બાદ બન્ને ટીમે એની છેલ્લી બે મૅચમાં મુંબઈ અને બૅન્ગલોર જેવી ખૂબ જ મજબૂત ટીમ સામે રમવાનું હોવાથી આજે બે પૉઇન્ટ મેળવવા ખૂબ જરૂરી

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી રમાયેલી ૧૬ મૅચમાંથી દિલ્હીની ૬ જીત સામે હૈરાબાદે ૧૦ જીત સાથે દબદબો જાળવ્યો છે
બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી રમાયેલી ૧૬ મૅચમાંથી દિલ્હીની ૬ જીત સામે હૈરાબાદે ૧૦ જીત સાથે દબદબો જાળવ્યો છે

દુબઈમાં આજે ટૉપમાં સેકન્ડ નંબરની દિલ્હી કૅપિટલ્સનો રસપ્રદ મુકાબલો બૉટમમાં સેકન્ડ-લાસ્ટ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે થવાનો છે. અત્યાર સુધીના ૧૧ મુકાબલામાં દિલ્હી ૭ જીત્યું છે અને ૪ હાર્યું છે, જ્યારે હૈદરાબાદનું એનાથી ઊલટું છે, ૪ જીત્યું છે અને ૭ હાર્યું છે. અપસેટ અને ઘાયલ ટીમો આજે મેદાનમાં ટકરાવાની છે. દિલ્હી જોકે પંજાબ અને કલકત્તા સામે અણધારી હારથી તો હૈદરાબાદ છેલ્લી મૅચમાં પંજાબ સામે હાથમાં આવેલી બાજી ગુમાવીને દુખી છે. 

દિલ્હી એક સમયે પૉઇન્ટ-ટેબલ પર પ્રથમ નંબરે શાનથી બિરાજમાન હતું અને ટૉપ-ટૂમાં નિશ્ચિત જણાતું હતું, પણ પંજાબ અને કલકત્તા સામે સતત બે મૅચમાં અણઘારી હાર બાદ દિલ્હી કૅમ્પ થોડો ચિંતામાં મુકાઈ ગયો છે. જોકે દિલ્હી આજે આ સીઝનમાં સ્ટ્રગલ કરી રહેલા હૈદરાબાદ સામે જીત મેળવીને પ્લે-ઑફમાં સ્થાન પાકું કરવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઊતરશે. દિલ્હી ડેરડેવિલ્સમાંથી દિલ્હી કૅપિટલ્સ નામ બદલ્યા બાદ ગઈ સીઝનમાં દિલ્હીઅે શ્રેયર ઐયર જેવા યુવાના નેતૃત્વમાં ટીમે શાનદાર પર્ફોર્મ કરીને પૉઇન્ટ-ટેબલ પર ત્રીજા નંબરે રહીને પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો. આ વખતે પણ એ જ પર્ફોર્મન્સ જાળવી રાખીને શરૂઆતથી દિલ્હી ટૉપ-ટૂમાં બિરાજમાન છે, પણ હવે આ નિર્ણાયક રાઉન્ડમાં તેમની સતત બે હાર તેમ જ પંજાબ અને કલકત્તાઅે જોર બતાવતાં પ્લે-ઑફની રેસ રસપ્રદ બની ગઈ છે અને એકાદ-બે ભૂલ માટે ટીમે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. સતત બે હાર બાદ દિલ્હી સમયસર જાગી ગઈ હશે અને કોઈ ટીમ, ખાસ કરીને આજે હૈદરાબાદને જરાય ઓછી નહીં આંકે અને માસ્ટર કોચ રિકી પૉન્ટિંગના માર્ગદર્શન હેઠળ યોગ્ય સ્ટ્રૅટેજી સાથે મેદાનમાં ઊતરશે. આ સીઝનના પહેલા જંગમાં હૈદરાબાદ સામેની હાર પણ દિલ્હીના ધ્યાનમાં હશે.
ક્રિકેટમાં કંઈ પણ અશક્ય નથી. દિલ્હી જેવી પ્લે-ઑફમાં નિશ્ચિત જણાતી ટીમ જો આજે હારી જાય અને ત્યાર બાદ છેલ્લી બે લીગમાં મુંબઈ અને બૅન્ગલોર પણ તેમને પછાડી દે તો કદાચ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ પણ શકે છે.
દિલ્હી અને હૈદરાબાદ બન્નેએ આજની મૅચ બાદ બાકીની બે મૅચમાં મુંબઈ અને બૅન્ગલોર જેવી મજબૂત ટીમ સામે રમવાનું હોવાથી આજે વિજય મેળવવો ખૂબ જરૂરી છે.
હૈદરાબાદ છેલ્લાં ચાર વર્ષથી પ્લે-ઑફમાં પ્રવેશ કરી રહ્યું છે અને આ વર્ષે પણ નિશ્ચિત મનાતું હતું, પણ ભુવનેશ્વર કુમાર અને મિચલ માર્શની બાદબાકી તથા બિનઅનુભવી અને યુવા મિડલ-ઑર્ડરને લીધે એકાદ-બે હાથમાં આવેલી બાજી ગુમાવીને આજે ટુર્નામેન્ટમાંથી બહાર જવાના દ્વારે પહોંચી ગયું છે. જો હૈદરાબાદ આજે હારશે ચેન્નઈની સાથે એણે પણ ટાટા-બાયબાય કરવું પડશે.
બન્નેને બૅટ્સમેનોની ચિંતા
બન્ને ટીમનો બોલિંગ-અટૅક અસરકારક છે, પણ બૅટ્સમેનોનો અસાતત્યભર્યો પર્ફોર્મન્સ ચિંતાજનક છે. દિલ્હીઅે પૃથ્વી શૉને બહાર કરીને અજિંક્ય રહાણેને મોકો આપ્યો, પણ તે હજુ સુધી ખાસ કોઈ કમાલ નથી કરી શક્યો. માર્ક્સ સ્ટૉઇનિસ અને શિમરન હૅટમાયર મોટો ધમાકો નથી કરી શક્યા. શિખર ધવન આખરે સતત બે સેન્ચુરી સાથે ફૉર્મમાં આવતાં ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ હૈદરાબાદ તેમના ટૉપ-થ્રી ડેવિડ વૉર્નર, જૉની બેરિસ્ટો અને મનીષ પાંડે પર જ નિર્ભર છે. મિડલ ઓર્ડર અેકાદ-બે ઝલક બાદ નિષ્ફળ જ રહ્યો છે.
૧૦-૬થી હૈદરાબાદ ભારે
બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી રમાયેલી ૧૬ મૅચમાંથી દિલ્હીની ૬ જીત સામે હૈરાબાદે ૧૦ જીત સાથે દબદબો જાળવ્યો છે. આ સીઝનના બન્ને વચ્ચેના પહેલા જંગમાં પણ હૈદરાબાદે દિલ્હીને ૧૫ રનથી આંચકો આપ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK