IPL 2020: રાયુડુ-બ્રાવોના દમ પર ચેન્નઈ કરશે હૈદરાબાદ સામે કમબૅક?

Published: Oct 02, 2020, 09:55 IST | Dinesh Savaliya | Dubai

બે અનુભવી ખેલાડીના સમાવેશ અને છએક દિવસના લાંબા બ્રેક બાદ ફ્રેશ ધોનીસેના સામે કલકત્તા સામે જીતનો સ્વાદ ચાખી ચૂકેલા વૉર્નરના વીરોને રોકવાનો પડકાર :પૉઇન્ટ ટેબલના છેલ્લા બે ક્રમાંકની નામોશી દૂર કરવા બન્ને આજે દુબઈમાં દમ બતાવવા આતુર

વૉર્નર અને ધોની
વૉર્નર અને ધોની

આજે આઇપીએલમાં દુબઈમાં ત્રણ વખતની ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સની ટક્કર બે વખતની વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જામશે. બન્ને ટીમની હાલત ઑલમોસ્ટ એકસરખી છે. બન્ને ટીમ તેમની પ્રથમ ત્રણ મૅચમાં એકમાત્ર જીત મેળવી શકી છે અને પૉઇન્ટ-ટેબલ પર છેલ્લા બે સ્થાન પર બિરાજમાન છે. હૈદરાબાદનો રનરેટ (-૦.૨૩) ચેન્નઈ (-૦.૮૪) કરતાં બહેતર હોવાથી અે સાતમા નંબરે છે. ચેન્નઈ આઠમા અને છેલ્લા ક્રમાંકે છે. ચેન્નઈઅે સીઝનની શરૂઆત ચૅમ્પિયન મુંબઈને હરાવીને શાનદાર રીતે કરી હતી, પણ ત્યાર બાદ રાજસ્થાન અને દિલ્હી સામે હારી ગઈ હતી. જ્યારે હૈદરાબાદે પ્રથમ બૅ મેચ હાર્યા બાદ ત્રીજી મૅચમાં દિલ્હીને હરાવીને જોશ મેળવી લીધું છે.

ચેન્નઈ પર છેલ્લા ક્રમાંકનું લાંછન

ધોનીના ધુરંઘરોની ટીમ અત્યારે પૉઇન્ટ-ટેબલ પર છેલ્લા ક્રમાંકે છે અને સોશ્યલ મીડિયામાં એના ‍ભરપૂર મીમ્સ બની રહ્યાં છે અને મજાક ઉડાડવામાં આવી રહી છે. આવું કદાચ ૧૦ વર્ષ બાદ બની રહ્યું છે કે બારેક મૅચ બાદ ચેન્નઈ છેલ્લા ક્રમાંકે હોય.

બ્રાવો-રાયુડુ રિટર્ન્સ

રાજસ્થાન અને દિલ્હી સામેની હારમાં ચેન્નઈના અંબાતી રાયુડુની કમી મહેસૂસ થઈ હતી. રાયુડુએ મુંબઈ સામેની જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો, પણ ત્યાર બાદ ઇન્જરીને લીધે બે મૅચ આરામ કરવો પડ્યો હતો. બીજી તરફ તેમનો સ્ટાર ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવો પણ કૅરેબિયન પ્રીમિયર લીગ દરમ્યાન ઇન્જરીમાંથી પૂર્ણ રીતે મુક્ત થયો ન હોવાથી પ્લેઇંગ ઇલેવનમાં તેનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. હવે બન્ને બહાદુરો ફિટ થઈ ગયા હોવાથી આજે મેદાનમાં ઊતરશે. રાયુડુને લીધે મુરલી વિજય કે ઋતુરાજ ગાયકવાડ, તો બ્રાવોને લીધે જોશ હેઝલવુડ કે સૅમ કરેને બહાર બેસવું પડશે. આઉટ ઑફ ફૉર્મ શેન વૉટ્સનને પણ ચેન્નઈ આજે આરામ આપી શકે છે.

યુવાના દમ પર હૈદરાબાદ દમદાર

હૈદરાબાદમાં કેન વિલિયમસનના આગમનને લીધે મિડલ ઑર્ડર થોડો મજબૂત થઈ ગયો છે. મિડલ-ઑર્ડરમાં યંગ અને બિનઅનુભવી છે જેમાં અન્ડર-19નો કૅપ્ટન પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા અને યુવા કાશ્મીરી ઑલરાઉન્ડર અબ્દુલ સમદનો સમાવેશ છે. જૉની બેરસ્ટો જવાબદારીપૂર્ણ રમી રહ્યો છે. કૅપ્ટન ડેવિડ વૉર્નરે ધડાકો કરવાનો સમય આવી ગયો છે. મનીષ પાન્ડે તેની ઉપયોગિતા સિદ્ધ કરી રહ્યો છે. વર્લ્ડ નંબર વન બોલર રાશિદ ખાનને ભુનવેશ્વરકુમાર અને નવો સ્ટાર તથા યૉર્કર-સ્પેશ્યલિસ્ટ ટી. નટરાજન યોગ્ય સાથ આપી રહ્યો છે. આમ યુવાનો તેમની ટૅલેન્ટ પ્રમાણે આજે ચમક્યા તો ચેન્નઈની હારની હૅટ-ટ્રિક આજે પાકી જ છે.

ચેન્નઈ ૯, હૈદરાબાદ ૩

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ ૧૨ ટક્કર થઈ છે, જેમાંથી ચેન્નઈએ ૯ જીત સાથે એનો દબદબો જાળવી રાખ્યો છે, જ્યારે હૈદરાબાદ ૩ મૅચમાં તેમને પછડાટ આપવામાં સફળ થઈ છે. ગઈ સીઝનમાં બન્ને ટીમે ઘરઆંગણે જીત મેળવી હતી. બન્ને ટીમ વચ્ચેના છેલ્લા ૭ જંગમાં ચેન્નઈઅે ૬માં જીત મેળવી છે. ૨૦૧૪માં શારજાહના જંગમાં પણ ચેન્નઈનો પાંચ વિકેટે વિજય થયો હતો.

બ્રેકનો કર્યો સદુપયોગ : ફલેમિંગ

ચેન્નઈના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે ટીમને મળેલા ૬ દિવસના બ્રેકનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કર્યો હતો અને જીતની હાર પર પાછા ફરવા શું કરવાની જરૂર છે એ વિશે મનોમંથન કર્યું હતું. ફ્લેમિંગે કહ્યું હતું કે ‘બ્રેક અમારે માટે યોગ્ય સમયે આવ્યો હતો, કારણ કે ત્રણ જુદાં-જુદાં મેદાનમાં અમે ફટાફટ ત્રણ મૅચ રમ્યા હતા. મેદાન બહારની અમારી થોડી સમસ્યા સામે પણ અમે ઝઝૂમી રહ્યા હતા. ૬ દિવસના બ્રેક દરમ્યાન અમે અમુક બાબતે સ્પષ્ટતા મેળવી લીધી છે અને યોગ્ય પ્રૅક્ટિસ કરી હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK