IPL 2019 : આજે વાનખેડેમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ટક્કર

મુંબઈ | Apr 03, 2019, 12:19 IST

આજે વધુ એક જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સ બની શકે છે ટુર્નામેન્ટમાં ૧૦૦ જીત નોંધાવનાર પહેલી ટીમ : ૯૭ જીત સાથે ધોની સેના બીજા નંબરે : પહેલી ત્રણેય મૅચ જીતીને પૂરપાટ દોડી રહેલી ચેન્નઈ એક્સપ્રેસને રોકવી રોહિત ઍન્ડ કંપની માટે આસાન નહીં હોય

IPL 2019 : આજે વાનખેડેમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ટક્કર
ટેન્શન શેનું? : ગઈ કાલે પ્રેક્ટિસ સેશન દરમ્યાન મેદાનમાં ઊતરી રહેલા કૅપ્ટન રોહિત શર્માના ચહેરા પર ટેન્શન જણાઈ રહ્યું હતું

વાનખેડેમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ પાસે એક લૅન્ડમાર્ક હાંસલ કરવાનો ગોલ્ડન ચાન્સ છે. મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધી ૧૭૪ મૅચમાંથી સૌથી વધુ ૯૯ મૅચ જીતી છે અને જીતની સેન્ચુરી ફટકારનાર પહેલી ટીમ બનવાથી હવે તેઓ માત્ર એક જ ડગલું દૂર છે. જો આજે રોહિત સેના ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દેશે તો ઘરઆંગણે જ ઐતિહાસિક લૅન્ડમાર્ક હાંસલ કરવા ઉપરાંત છેલ્લી મૅચમાં પંજાબ સામેની હાર બાદ ફરી ટીમમાં નવું જોશ આવી જશે.

બે બળિયાઓ બાથે વળશે

IPLની બે બેસ્ટ ટેસ્ટ તરીકે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો સમાવેશ થાય છે. બન્ને ટીમો ત્રણ-ત્રણ વાર ચૅમ્પિયન બનીને તેમની શ્રેષ્ઠતા સિદ્ધ કરીને બરોબરીમાં છે. ઓવરઑલ બન્ને ટીમો વચ્ચે કુલ ૨૬ જંગમાં પણ બરોબરની ટક્કર જોવા મળી છે અને ક્રિકેટપ્રેમીઓને ક્યારેય નિરાશ નથી થવું પડ્યું. કુલ ૨૬ જંગમાંથી ચેન્નઈની ૧૨ જીત સામે મુંબઈ ૧૪ જીત સાથે થોડીક આગળ છે.

છેલ્લા પાંચ જંગમાં મુંબઈ કિંગ

હાલનું ફૉર્મ જોતાં આજે ચેન્નઈ જ ફેવરિટ લાગી રહ્યું છે, પણ બન્ને ટીમના છેલ્લા પાંચ જંગ પર નજર કરીશું તો મુંબઈ જ કિંગ સાબિત થયું છે. બન્ને ટીમો વચ્ચેના છેલ્લા પાંચ જંગમાં મુંબઈનો ચારમાં વિજય થયો છે, જ્યારે ચેન્નઈ એક જ વાર જીતી શક્યું છે.

ચેન્નઈ ૩-૦, મુંબઈ ૧-૨

આ બારમી સીઝનમાં ધોની સેના પ્રથમ ત્રણેય મુકાબલાઓ જીતીને અણનમ છે, જ્યારે રોહિત સેના પરંપરા પ્રમાણે ફરી શરૂઆતમાં નબળી પુરવાર સાબિત થઈ રહી છે અને ત્રણમાંથી એકમાત્ર જીત જ મેળવી શકી છે. ચેન્નઈએ એના પ્રથમ જંગમાં બૅન્ગલોર સામે ૭ વિકેટે, બીજીમાં દિલ્હી સામે ૬ વિકેટે અને છેલ્લે રાજસ્થાન સામે ૮ રનથી વિજય મેળવ્યો હતો. બીજી તરફ મુંબઈએ વાનખેડેમાં પ્રથમ મૅચમાં દિલ્હી સામે ૩૭ રનથી હાર સાથે શરૂઆત કર્યા બાદ બૅન્ગલોરમાં બૅન્ગલોર સામે રોમાંચક અને કન્ટ્રોવર્શિયલ ૬ રનથી જીત મેળવીને જીતનું ખાતું ખોલ્યું હતું. જોકે ત્રીજા જંગમાં મોહાલીમાં પંજાબ સામે તેઓ ફરી ફસડાઈ પડ્યા હતા અને ૮ વિકેટે પરાજય જોવો પડ્યો હતો.

મલિંગાના સ્થાને જોસેફ કે કટિંગ?

લસિથ મલિંગા હજી સુધી તેનો અસલી ટચ બતાવી નથી શક્યો અને આજે મુંબઈ મૅનેજમેન્ટ કદાચ તેના આરામ આપીને વેસ્ટ ઇન્ડિયન ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ અથવા ઑસ્ટ્રેલિયન ઑલ રાઉન્ડર બેન કટિંગને મોકો આપી શકે છે. પાકિસ્તાન સામેની સિરીઝ પતાવીને મુંબઈની ટીમ સાથે જોડાય ગયેલા ઑસ્ટેÿલિયન લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જેસન બેહરેનડૉફને પણ આજે મુંબઈ મોકો આપી શકે છે.

ઓલ્ડ ઇઝ ગોલ્ડ : ઇમરાન તાહિરથી સાવધાન

ક્રિકેટના ટૂંકા અને સૌથી ઝડપી ફૉર્મેટ T20માં ૪૦ વર્ષનો સાઉથ આફ્રિકન લૅગ સ્પિનર ઇમરાન તાહિર તરખાટ મચાવી રહ્યો છે. હાલમાં ચાલી રહેલી IPLમાં બધાના આર્ય વચ્ચે સૌથી વધુ વિકેટ માટે મળેલી પર્પલ કૅપ તાહિરને માથે શોભી રહી છે. તાહિરે ૩ મૅચમાં ૬ વિકેટ લીધી છે. જોકે તાહિર સાથે જ શ્રેયસ ગોપાલ, યઝુવેન્દ્ર ચહલ, કિગૉસા રબાડા, ડ્વેઇન બ્રાવો અને સૅમ કરૅને પણ ૬-૬ વિકેટ લીધી છે, પણ તાહિર ઍવરેજ અને ઇકૉનૉમી રેટમાં બધાથી ઉપર હોવાથી પર્પલ કૅપ મેળવી છે. આજે મુંબઈએ પણ આ અનુભવી સ્પિનરથી સાવધ રહેવું પડશે.

આ પણ વાંચો : IPL 2019: જયપુરમાં રાજસ્થાને બૅન્ગલોરને સાત વિકેટથી હરાવીને જીતનું ખાતું ખોલ્યું

છેલ્લી રાજસ્થાન સામેની મૅચમાં બે વિકેટ સાથે તાહિરે લેજન્ડ સ્પિનર શૅન વોર્નને પછાડીને આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર વિદેશી લૅગ-સ્પિનર બની ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK