બિનઅનુભવી બોલરોની કમાલ, રોહિતની વિકેટે દિવસ બગાડ્યો

Published: 17th January, 2021 13:43 IST | Gujarati Mid-day Correspondent | Sydney

બીજા દિવસે ઑસ્ટ્રેલિયા ‍‍‍‍‍૩૬૯ રનમાં ઑલઆઉટ, ભારત બે વિકેટે ૬૨ રન

રોહિત શર્મા
રોહિત શર્મા

બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટના ગઈ કાલે બીજા દિવસે ભારતે બિનઅનુભવી યુવા બોલિંગ અટૅક સાથે પણ ઑસ્ટ્રેલિયાને ફક્ત ૩૬૯ રનમાં ઑલઆઉટ કરીને કમાલ કરી હતી. પાંચેય ભારતીય બોલરોનો કુલ અનુભવ ફક્ત ચાર મૅચનો હોવા છતાં વર્લ્ડની ટૉપની ટીમ ઑસ્ટ્રેલિયાને એ પણ તેમના બન્ને મુખ્ય બૅટ્સમેનો ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથ સહિતને મોટો સ્કોર ન કરવા દઈને ખરેખર કમાલ કરી છે. પ્રથમ મૅચ રમી રહેલા ટી. નટરાજન અને વૉશિંગ્ટન સુંદરે તથા કરીઅરની બીજી જ મૅચ રમી રહેલા શાર્દુલ ઠાકુરે ૩-૩ વિકેટ લીધી હતી. એક વિકેટ મોહમ્મદ સિરાજને મળી હતી. કૅમરુન ગ્રીન ૪૭ રન પર આઉટ થયો હતો, જ્યારે કૅપ્ટન ટિમ પેઇને કરીઅરની નવમી હાફ-સેન્ચુરી ફટકારતાં ૧૦૪ બૉલમાં ૬ ફોર સાથે ૫૦ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાના એક સમયે પાંચ વિકેટે ૩૧૧ રન હતાં, પણ ત્યાર બાદ પેઇન, ગ્રીન અને પૅટ કમિન્સને લગાતાર ગુમાવીને ૮ વિકેટે ૩૧૫ રનનો સ્કોર થઈ ગયો હતો. ૧૦૦મી ટેસ્ટ રમી રહેલા નૅથન લાયન (૨૪) અને મિચલ સ્ટાર્ક (૨૦) વચ્ચે નવમી વિકેટ માટે ૩૯ રનની પાર્ટનરશિપને લીધે ઑસ્ટ્રેલિયનો ૩૬૯ રન સુધી પહોંચી શક્યા હતા.

ભારતે સાતમી ઓવરમાં જ યુવા ઓપનર શુભમન ગિલની (૭) જલદી વિકેટ ગુમાવી દીધી હતી. ગિલ કમિન્સના બૉલમાં સ્લિપમાં સ્મિથને કૅચ આપી બેઠો હતો. ત્યાર બાદ રોહિત શર્માએ તેની સ્ટાઇલમાં ૬ ફોર સાથે ૪૪ રન ફટકારીને સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતું. પણ આખરે લાયનની જાળમાં ફસાઈને ટી-ટાઇમના થોડા સમય પહેલાં મોટા ફટકાની  લાલચમાં મિચલ સ્ટાર્કને કૅચ આપી બેઠો હતો. રોહિતની વિકેટ બાદ ૬.૧ ઓવરમાં કૅપ્ટન અજિંક્ય રહાણે (૧૯ બૉલમાં નૉટઆઉટ ૨ રન) અને ચેતેશ્વર પુજારા (૪૯ બૉલમાં અણનમ ૮ રન)એ માત્ર બે રન બનાવ્યા હતા.

રોહિતની વિકેટને લીધે ઑસ્ટ્રેલિયા જોશમાં આવી ગયું હતું, પણ ટી-ટાઇમ બાદ વરસાદની પધરામણીને લીધે છેલ્લો સેશન સંપૂર્ણ ધોવાઈ ગયો હતો. આમ જો રોહિતે ઉતાવળ ન કરી હોત તો કદાચ ભારત વધુ કૉન્ફિડન્સ સાથે આજે ત્રીજા અને મહત્ત્વપૂર્ણ દિવસે મેદાનમાં ઊતરત. આગલી ત્રણેય મૅચમાં મૅચનું મોટા ભાગે પરિણામ ત્રીજા દિવસની રમતના આધારે નક્કી થતું જોવા મળ્યું છે.

ટીકાઓ છતાં રોહિત કહે છે, હું આવા જ શૉટ રમતો રહીશ

રોહિત શર્મા સેટ થયા બાદ જે રીતે આઉટ થયો એનાથી ક્રિકેટપ્રેમીઓ ઉપરાંત અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો પણ નારાજ હતા. સુનીલ ગાવસકરે રોહિત જે શૉટમાં આઉટ થયો હતો એને બેજવાબદારીભર્યો ગણાવ્યો હતો. ગાવસકરે કહ્યું કે રોહિત એક સિનિયર ખેલાડી છે અને તેને ટીમમાં પોતાની જવાબદારીની ખબર હોવી જોઈએ. આવા શૉટ બદલ તેને માફી ન મળવી જોઈએ. તેણે ઑસ્ટ્રેલિયાને તેની વિકેટ ગિફ્ટ આપી દીધી હતી. આ ટેસ્ટ મૅચ છે. રોહિતે સારી શરૂઆતને એક મોટી ઇનિંગ્સમાં બદલવી જોઈતી હતી.’

તે તેની જવાબદારી બરાબર સમજે છે અને તેને એવા જ પ્રકારનો રોલ મળ્યો છે એમ કહીને ટીકાનો જવાબ આપતાં રોહિતે કહ્યું કે હું ઘણા સમયથી આવા શૉટ રમી રહ્યો છું. આઉટ થવાનું કોઈને ગમતું નથી, પણ હું એ વિશે વધારે નથી વિચારતો. હું હંમેશાં એવું કરવાની કોશિશ કરતો હોઉં છું જેનાથી મારી બૅટિંગને ફાયદો થાય. ટીકાઓ છતાં હું આ પ્રકારનો શૉટ રમતો રહીશ. બોલરો પર પ્રેશર બનાવવા હું એવા શૉટ રમતો હોઉં છું. આવા શૉટ વખતે તમને થોડો નસીબનો પણ સાથ જરૂરી હોય છે. આમાં તમે ક્યારેક આઉટ થાઓ છો તો ક્યારેક સફળ થાઓ છો. ટીમને મારા પર વિશ્વાસ છે. આથી ટીમ જે ઇચ્છશે અે કરતો રહીશ અને લોકો શું કહે છે અેની ચિંતા નથી કરતો.

રોહિત પણ ઇન્જર્ડ?

રોહિત રન લેવા જે રીતે ભાગી રહ્યો હતો એને લીધે તે હૅમસ્ટ્રિંગ કે કાફ સ્ટ્રેનની સમસ્યાથી ઝૂઝી રહ્યો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું હતું. રોહિતને આઇપીએલ દરમ્યાન પણ હૅમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી જેને લીધે ઑસ્ટ્રેલિયન ટીમ માટે પહેલાં સિલેક્ટ નહોતો કરવામાં આવ્યો. જો રોહિત પણ ઇન્જરી લિસ્ટમાં સામેલ થશે તો ભારતે માટે આ મૅચ બચાવવી મુશ્કેલ થઈ પડશે.

૭૧ વર્ષ પહેલાં બે ડેબ્યુટન્ટે ૩-૩ વિકેટ લીધી હતી

નેટ-બોલર તરીકે ટીમમાં જોડાયેલા અને આ મૅચથી ટેસ્ટ કરીઅરની શરૂઆત કરી રહેલા ભારતના ટેસ્ટ પ્લેયર નંબર ૩૦૦માં ટી. નટરાજન અને ટેસ્ટ પ્લેયર નંબર ૩૦૧માં વૉશિંગ્ટન સુંદરે ૩-૩ વિકેટ ઝડપીને ટેસ્ટ કરીઅરની શુભ શરૂઆત કરી હતી. આવું છેલ્લે ૭૧ વર્ષ પહેલાં ૧૯૪૯માં જોવા મળ્યું હતું. ત્યારે કોલકત્તા ટેસ્ટમાં બે ડેબ્યુટન્ટો મંટુ બૅનરજી અને ગુલામ અહમદે તેમની પહેલી જ મૅચમાં ૩-૩ વિકેટ લીધી હતી. ગઈ કાલે નટરાજને ૨૪.૩ ઓવરમાં ૭૮ રન આપીને ૩ અને સુંદરે ૩૧ ઓવરમાં ૮૯ રન આપીને ૩ કાંગારૂ બૅટ્સમેનોને પૅવિલિયન પાછા મોકલી આપ્યા હતા.

લેફ્ટી નટરાજનનું સેકન્ડ બેસ્ટ ડેબ્યુ

વન-ડે, ટી૨૦ બાદ હવે નટરાજને પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં ૩ વિકેટ સાથે સફળ શરૂઆત કરી હતી. આ સાથે ભારત વતી પ્રથમ ટેસ્ટમાં લેફ્ટ આર્મ પેસરનો સેકન્ડ બેસ્ટ પર્ફોર્મન્સ બની ગયો હતો. બેસ્ટ એન્ટ્રી આર. પી. સિંહના નામે છે. તેણે ૧૯૮૯માં ફૈસલાબાદમાં પાકિસ્તાન સામે પ્રથમ મૅચમાં ૮૯ રનમાં ચાર વિકેટ લીધી હતી. આર. પી. સિંહ પહેલાં આ રેકૉર્ડ એસ. ેસ. ન્યાલચંદના નામે હતો. ન્યાલચંદે ૧૯૫૨-૫૩માં લખનઉમાં પાકિસ્તાન સામે ડૅબ્યુ કરતાં ૯૭ રનમાં ૩ વિકેટ લીધી હતી. ન્યાલચંદ કરતાં નટરાજને જોકે ઓછા રન આપ્યા હતા.

આ ઉપરાંત નટરાજનના રૂપમાં ભારતને ૧૦ વર્ષ બાદ લેફ્ટ આર્મ પેસબોલર મળ્યો છે. છેલ્લે ભારત વતી ડિસેમ્બર ૨૦૧૦માં સેન્ચુરિયન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે જયદેવ ઉનડકટે ડેબ્યુ કર્યું હતું.

બીજો અશ્વિન બની શકે છે સુંદર: મૅક્‍ડોનાલ્ડ

ઑસ્ટ્રેલિયન ટીમના અસિસ્ટન્ટ કોચ ઍન્ડ્રુ મૅક્‍ડોનાલ્ડે બિનઅનુભવી ભારતીય બોલિંગ-અટૅકનાં વખાણ કર્યાં હતાં અને ખાસ કરીને સ્પિનર વૉશિંગ્ટન સુંદરનાં. મૅક્‍ડોનાલ્ડે કહ્યું હતું કે સુંદર ભારતનો બીજો અશ્વિન બની શકે છે.

મૅક્‍ડોનાલ્ડે કહ્યું હતું કે મને લાગે છે ભારતીય બોલરોએ ખૂબ સાતત્યભરી બોલિંગ કરી હતી. મને લાગે છે કે વૉશિંગ્ટન સુંદરે ખાસ કરીને ખૂબ શિષ્ટભરી બોલિંગ કરી હતી અને તે બીજો અશ્વિન બની શકે છે. રન પણ આસાનીથી નથી આપતો અને સાથે વિકેટ લેવાની ક્ષમતા પણ તેનામાં છે.

લાયને સૌથી વધુ છઠ્ઠી વાર રોહિતને આઉટ કર્યો

ગઈ કાલે રોહિતે બિનજરૂરી ઊંચો ફટકો મારવાની લાલચમાં ૧૦૦મી મૅચ રમી રહેલા નૅથન લાયનના બૉલમાં મિચલ સ્ટાર્કને કૅચ આપી બેઠો હતો. લાયનની આ વિકેટ નંબર ૩૯૭ હતી. બીજું, હવે આ સાથે લાયન રોહિત શર્માને સૌથી વધુ વાર આઉટ કરનાર બોલર બની ગયો હતો. બીજા નંબરે પાંચ વાર કૅગિસો રબાડાએ તેને આઉટ કર્યો હતો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK