ટ્યુનિશ્યાની પ્લેયરે ગયા વર્ષની ફાઇનલનો બદલો ક્વૉર્ટરમાં લઈ લીધો : વિમ્બલ્ડનને મળશે નવી ચૅમ્પિયન
ઑન્સ જૅબ્યરે ડિફેન્ડિંગ ચૅમ્પિયન રબાકિનાને વહેલી એક્ઝિટ અપાવી
મહિલા ટેનિસની વર્લ્ડ નંબર-થ્રી કઝાખસ્તાનની એલેના રબાકિનાને ગઈ કાલે વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં ટ્યુનિશ્યાની ઑન્સ જૅબ્યરે જબરદસ્ત કમબૅક કરીને હરાવી દીધી હતી. જૅબ્યરે તેને ૫-૭, ૬-૪, ૬-૧થી હરાવી હતી. ૧૨ મહિના પહેલાં આ જ સ્પર્ધાની ફાઇનલમાં જૅબ્યરનો રબાકિના સામે પરાજય થયો હતો અને જૅબ્યરે ગઈ કાલે અગાઉ કરતાં વધુ આક્રમક મૂડમાં રમીને તેની વિજયકૂચને ક્વૉર્ટર ફાઇનલમાં જ અટકાવી દીધી હતી. રબાકિના હારી જતાં હવે આ વખતની વિમ્બલ્ડનને નવી મહિલા ચૅમ્પિયન મળશે.
જૅબ્યર હવે આજે સેમી ફાઇનલમાં અરીના સબાલેન્કા સામે રમશે. બેલારુસની સબાલેન્કાએ ક્વૉર્ટરમાં મેડિસન કીઝને ૬-૨, ૬-૪થી પરાજિત કરી હતી. સબાલેન્કા સતત ચોથી ગ્રૅન્ડ સ્લૅમમાં સેમી ફાઇનલમાં પહોંચી છે.
પુરુષોમાં મંગળવારે ક્વૉર્ટર ફાઇનલમાં નોવાક જૉકોવિચે ઑન્ડ્રે રુબ્લેવને ૪-૬, ૬-૧, ૬-૪, ૬-૩થી હરાવ્યો હતો. બીજી ક્વૉર્ટરમાં યાનિક સિનરે રોમન સફીઉલિનને ૬-૪, ૩-૬, ૬-૨, ૬-૨થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
46
જૉકોવિચે મંગળવારે આટલામી ગ્રૅન્ડ સ્લૅમ સેમી ફાઇનલમાં પહોંચીને ફેડરરના વિક્રમની બરાબરી કરી હતી.


