૧૫થી વધુ નવી બ્રૅન્ડે આ મહિલા કુસ્તીબાજ સાથે જોડાવાની તૈયારી બતાવી
વિનેશ ફોગાટ
પૅરિસ ઑલિમ્પિક્સમાં ૫૦ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલ માટે અયોગ્ય જાહેર થનાર વિનેશ ફોગાટ હવે તેની બ્રૅન્ડ-વૅલ્યુ માટે ચર્ચામાં છે. પૅરિસ ઑલિમ્પિક્સના વિવાદ બાદ તેના ફૉલોઅર્સ અને બ્રૅન્ડ્સને પ્રમોટ કરવાની ફીમાં વધારો થયો છે. ઑલિમ્પિક્સ ૨૦૨૪ પહેલાં ૨.૮૮ લાખ ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ ધરાવતી વિનેશ ફોગાટના હવે ૧૧ લાખ ફૉલોઅર્સ છે. અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ ફૉલોઅર્સની સંખ્યામાં વધારો નોંધાયો છે.
અહેવાલ અનુસાર વિનેશ પહેલાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને રીલ માટે ૨-૩ લાખ રૂપિયા ચાર્જ કરતી હતી, જેની કિંમત હવે ૧૦થી ૧૫ લાખ રૂપિયા થઈ ગઈ છે. તેની એન્ડોર્સમેન્ટ-ફીમાં ૩૦૦થી ૪૦૦ ટકાનો વધારો થયો છે. વિનેશ પહેલાં એક બ્રૅન્ડ સાથેની ડીલ માટે એક વર્ષના પચીસ લાખ રૂપિયા ચાર્જ કરતી હતી અને હવે એ ફી વધીને ૭૫ લાખથી ૧ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. લગભગ ૧૫ નવી બ્રૅન્ડ સાથે જોડાવાની તેને ઑફર મળી છે. હાલમાં તે નાઇકી અને કન્ટ્રી ડિલાઇટ જેવી બ્રૅન્ડ સાથે જોડાયેલી છે. પચીસમી ઑગસ્ટે આ મહિલા કુસ્તીબાજ ૩૦મી વર્ષગાંઠ ઊજવશે.


