ટૉટનમની ૬-૨થી જીત : બાર્સેલોનાના લેવાન્ડોવ્સ્કીના ફરી બે ગોલ

સૉન હ્યુન્ગ-મિન
ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)ની ગઈ સીઝનમાં ૨૩ ગોલ કરનાર સાઉથ કોરિયાના ફૉર્વર્ડ ખેલાડી અને ટૉટનમ હૉટ્સપર વતી રમતા સૉન હ્યુન્ગ-મિનની આ સીઝનની ટૉટનમની પહેલી તમામ આઠ મૅચ ગોલ વિનાની ગઈ હતી અને આ ખરાબ પર્ફોર્મન્સને કારણે શનિવારે કોચ ઍન્ટોનિયો કૉન્ટેએ તેને લિસેસ્ટર સિટી સામેની મૅચમાં બેન્ચ પર બેસાડી દીધો હતો. જોકે કહેવાય છેને કે ‘ફૉર્મ ઇઝ ટેમ્પરરી, બટ ક્લાસ ઇઝ પર્મનેન્ટ.’
૫૯મી મિનિટે ટૉટનમની ટીમ ૩-૨થી આગળ હતી અને લિસેસ્ટરની ટીમ ૩-૩થી બરાબરીમાં આવવાની તૈયારીમાં હતી ત્યારે કોચ ઍન્ટોનિયોએ એક ખેલાડીના સ્થાને સબસ્ટિટ્યુટ તરીકે સૉનને મેદાન પર મોકલ્યો હતો અને સૉને તક ઝડપીને પોતાની કાબેલિયત દેખાડી દીધી હતી.
લેવાન્ડોવ્સ્કી ચમક્યો : બે ગોલ કરીને બાર્સેલોનાને જિતાડ્યું
રૉબર્ટ લેવાન્ડોવ્સ્કી ગયા અઠવાડિયે ચૅમ્પિયન્સ લીગમાં બાર્સેલોનાને બાયર્ન મ્યુનિક સામે જિતાડી નહોતો શક્યો, પરંતુ શનિવારે તેણે સ્પૅનિશ લીગ લા લીગામાં એલ્શી સામેની મૅચમાં બે ગોલ (૩૪મી, ૪૮મી મિનિટે) કરીને ફરી ધમાકેદાર પર્ફોર્મ કરી દેખાડ્યું હતું. એલ્શીની ટીમ એક ખેલાડીને રેડ કાર્ડ બતાવાતાં ૧૦ ખેલાડીની થઈ ગઈ હતી અને એની સામે બાર્સેલોનાએ ૩-૦થી વિજય મેળવ્યો હતો. લેવાન્ડોવ્સ્કી બાર્સેલોના ટીમમાં જોડાયો છે ત્યાર પછી ૮ મૅચમાં ૧૧ ગોલ કરી ચૂક્યો છે.