અર્શદ નદીમને સાસરેથી ગિફ્ટમાં મળી ભેંસ; ૭ ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતવાનો આનંદ માણ્યો અને વધુ સમાચાર
લેઓં મર્ચોંએ
ફ્રાન્સના ૨૧ વર્ષના સ્વિમર લેઓં મર્ચોંએ પૅરિસ ઑલિમ્પિક્સમાં ચાર ગોલ્ડ અને એક બ્રૉન્ઝ સાથે કુલ પાંચ મેડલ જીત્યા છે. તેણે ૧૮૪ દેશ કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ૧૮૪ દેશ આ વખતે આ ફ્રેન્ચ સ્વિમર જેટલા ગોલ્ડ જીતી શક્યા નથી. પોતાની પ્રથમ ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર આ ખેલાડીને ઑલિમ્પિક જ્યોતને ક્લોઝિંગ સેરેમની સુધી લઈ આવવાની તક મળી હતી. ૧૯૭૬ પછી ઑલિમ્પિક ગેમ્સમાં એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ સ્વિમર બન્યો હતો. સ્વિમિંગમાં ત્રણ કે એથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ફ્રેન્ચ છે.
અર્શદ નદીમને સાસરેથી ગિફ્ટમાં મળી ભેંસ
ADVERTISEMENT
પાકિસ્તાનમાં માતા સાથે અરશદ નદીમ
પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પાકિસ્તાની જૅવલિન થ્રોઅર અર્શદ નદીમ પર પુરસ્કારોની વર્ષા થઈ રહી છે. ૨૭ વર્ષના ગોલ્ડ મેડલિસ્ટને તેનાં સાસરિયાંઓ તરફથી પણ ભેટ મળી હતી, જે એક ભેંસ છે. સાસરિયાંઓએ અર્શદ નદીમને ભેંસ કેમ આપી એનો જવાબ પણ ઘણો રસપ્રદ છે. તેમના ગામમાં ભેંસ ભેટમાં આપવી એ ખૂબ મૂલ્યવાન અને આદરણીય માનવામાં આવે છે.
૭ ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતવાનો આનંદ માણ્યો
પૅરિસ ઑલિમ્પિક્સમાં ૭ જેટલા ખેલાડીઓ એવા હતા જેમણે ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતવાનો આનંદ માણ્યો છે. આ ૭ ખેલાડીઓના લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાના ત્રણ સ્વિમરો, અમેરિકાના બે સ્વિમરો, બ્રાઝિલના એક જિમ્નૅસ્ટ અને નેધરલૅન્ડ્સના એક ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઍથ્લીટનો સમાવેશ છે. આ બધાએ એક જ ઑલિમ્પિક્સમાં ત્રણેય મેડલ જીતવાની સિદ્ધિ મેળવી હતી.