ટેનિસપ્રેમીઓને ફેડરર, સેરેના વિના ઑસ્ટ્રેલિયન ઓપન ખૂબ સૂની લાગે છે
રાફેલ નડાલ અને ઇગા સ્વૉનટેક
સ્વિટ્ઝરલૅન્ડનો ટેનિસ-લેજન્ડ રૉજર ફેડરર ઘૂંટણની સર્જરી બાદ અપૂરતી ફિટનેસને લીધે ગયા વર્ષની ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહોતો રમ્યો, પરંતુ આ વખતે તેના નામની સાવ બાદબાકી થઈ ગઈ છે, કારણ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે નિવૃત્ત થયો હતો. અમેરિકાની સેરેના પણ ૨૦૨૨ની ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહોતી રમી અને પછી રિટાયર થઈ ગઈ હતી. આ બે લેજન્ડરી ટેનિસ પ્લેયરની નિવૃત્તિ પછી અત્યારે જે ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયનશિપ રમાઈ રહી છે એ ટેનિસ-લવર્સને ફેડરર અને સેરેના વગર સૂની-સૂની લાગી રહી છે.
ફેડરરે ૬ વખત અને સેરેનાએ ૭ વાર ઑસ્ટ્રેલિયન ઓપનનું સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. આ બે સુપરસ્ટાર ખેલાડીઓની નિવૃત્તિ બાદ હવે આંગળીના વેઢે ગણાય એટલા જાણીતા ટોચના ખેલાડીઓ આ સ્પર્ધામાં રમી રહ્યા છે અને એમાંનો એક સ્પેનનો ૩૬ વર્ષનો રાફેલ નડાલ ગઈ કાલે પહેલા રાઉન્ડમાં મહામહેનતે જીત્યો હતો. તેણે બ્રિટનના ઊભરતા ખેલાડી ૨૧ વર્ષના જૅક ડ્રેપરને ૭-૫, ૨-૬, ૬-૪, ૬-૧થી હરાવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : ટેનિસ પ્લેયર સ્વૉનટેકની યુક્રેનના લોકો માટે ડ્રેસ, રૅકેટ, શૂઝની લિલામી કરશે
ટૉપ-સીડેડ નડાલનો વિશ્વમાં બીજો રૅન્ક છે અને ડ્રૅપરની ૩૮મો છે છતાં નડાલે તેને હરાવવા ખૂબ મહેનત કરવી પડી હતી.
વિમ્બલ્ડનનો રનર-અપ ઑસ્ટ્રેલિયાનો નિક કીર્ગિયોસ પહેલી જ મૅચ પહેલાં ઘૂંટણની ઈજાને કારણે સ્પર્ધામાંથી બહાર થઈ ગયો હતો.
મહિલાઓમાં નંબર-વન અને ઑસ્ટ્રેલિયન ઓપનની ટૉપ-સીડેડ પોલૅન્ડની ઇગા સ્વૉનટેક પણ પ્રથમ રાઉન્ડમાં આસાનીથી નહોતી જીતી. તેણે જર્મનીની યુલ નીમાયરને ૬-૪, ૭-૫થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
બ્રિટનની નંબર-વન પ્લેયર એમ્મા રાડુકાનુએ પણ સ્ટ્રેઇટ સેટથી વિજય મેળવ્યો હતો. તેણે પહેલા રાઉન્ડમાં જર્મનીની ટૅમરા કૉર્પાશ્ચને ૬-૩, ૬-૨થી હરાવી હતી. અમેરિકાની ટીનેજર કોકો ગૉફ તથા જેસિકા પેગુલા પણ પ્રથમ રાઉન્ડ જીતી ગઈ હતી.

