ગાઝિયાબાદમાં તેના સાથી ખેલાડી યશ ખટિકે હત્યા કરી હોવાની કથિત કબૂલાત કરી
ચિરાગ ત્યાગી
નૅશનલ પૅરા-ઍથ્લીટ ચિરાગ ત્યાગી શનિવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના એક પાર્કમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃત્યુના બે દિવસ પહેલાં ચિરાગ ત્યાગીએ બૅન્ગલોરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં ૪૦૦ મીટર T12 ઇવેન્ટ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે તે આ વર્ષના અંતમાં જપાનમાં યોજાનારી પૅરા એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય થઈ ગયો હતો. T12 ઇવેન્ટ આંશિક દૃષ્ટિબાધિત ટ્રૅક ઍથ્લીટો માટે હોય છે.
ચિરાગ ત્યાગીએ તાજેતરમાં પુણેમાં એક તાલીમ શિબિર પૂર્ણ કરી હતી અને ૨૯ મેએ દિલ્હી પાછો ફર્યો હતો. ચિરાગે શનિવારે સવારે ફૅમિલી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તે બપોર સુધીમાં ગામ બસંતપુર સૈતલીમાં પાછો ફરશે. જ્યારે તેનો ફોન બંધ થઈ ગયો ત્યારે પરિવાર ચિંતામાં ડૂબી ગયો. આખરે પોલીસે તેમને ઘટના વિશે જાણ કરી.
ADVERTISEMENT
ચિરાગ ત્યાગીની હત્યાના આરોપસર સાથી પૅરા-ઍથ્લીટ યશ ખટિકની ધરપકડ કરવામાં આવી છે. બન્ને રમતવીરો પૅરા-સ્પોર્ટ્સ સર્કિટ દ્વારા એકબીજાને ઓળખતા હતા અને અગાઉ સાથે તાલીમ લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ‘ચિરાગે ડૉક્યુમેન્ટ્સની તપાસ પ્રક્રિયા દરમ્યાન યશ વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને કારણે યશની સ્પર્ધામાં પાત્રતા રદ થઈ હતી. આ વાતનો બદલે લેવા તેણે આ કૃત્ય કર્યું છે. યશે ચિરાગ ત્યાગીને પિસ્તોલથી ગોળી મારવાની કબૂલાત કરી હતી.’
