ઑસ્ટ્રેલિયા સામે મૅચ શરૂ થયા બાદ ૭૯મી સેકન્ડે કર્યો ગોલ
ગુરુવારે બીજિંગની મૅચમાં મેસીને બૉલ પર કબજો કરીને ગોલ કરતો રોકી રહેલો ઑસ્ટ્રેલિયન પ્લેયર. એ.એફ.પી.
12
મેસીએ ૨૦૨૨ના ફિફા વર્લ્ડ કપની શરૂઆતથી અત્યાર સુધી આર્જેન્ટિના વતી કુલ આટલા ગોલ ૧૦ મૅચમાં કર્યા છે.
ગયા વર્ષના ફિફા વર્લ્ડ કપના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ ગુરુવારે ચીનના પાટનગર બીજિંગમાં ઑસ્ટ્રેલિયા સામેની ફ્રેન્ડ્લી ઇન્ટરનૅશનલ મૅચમાં આર્જેન્ટિનાને જિતાડ્યું હતું. ૨-૦થી આર્જેન્ટિનાએ જીતેલી આ મૅચમાં મેસીએ એક જ ગોલ કર્યો હતો, પરંતુ તેના આ શરૂઆતના આંચકા સાથે જ ઑસ્ટ્રેલિયાની ટીમ પર આર્જેન્ટિનાના ડિફેન્ડર્સે એવી ધાક બેસાડી હતી કે તેઓ છેક સુધી એક પણ ગોલ નહોતા કરી શક્યા.
ADVERTISEMENT
૩૫ વર્ષના મેસીએ ૨૧ વર્ષની પ્રોફેશનલ કરીઅરમાં જેટલા પણ ગોલ કર્યા છે એમાં ગુરુવારનો તેનો ગોલ ફાસ્ટેસ્ટ છે. મૅચ હજી તો શરૂ થઈ ત્યાં તેણે ૧ મિનિટ, ૧૯મી સેકન્ડે (૭૯મી સેકન્ડે) ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. આર્જેન્ટિનાની છાવણીમાં સેલિબ્રેશન શરૂ થઈ ગયું હતું અને બીજી બાજુ, ઑસ્ટ્રેલિયન ટીમના કૅમ્પમાં સોપો પડી ગયો હતો. ત્રીજી તરફ હજારો પ્રેક્ષકો મેસીનો મૅજિકલ ગોલ જોઈને ખુશ થઈ ગયા હતા.
આર્જેન્ટિના વતી ગુરુવારની મૅચમાં બીજો ગોલ સબસ્ટિટ્યુટ ખેલાડી પેઝેલાએ ૬૮મી મિનિટે હેડરથી કર્યો હતો.
લિયોનેલ સ્કેલોની આર્જેન્ટિનાના કોચ છે અને તેમની ટીમની ડિસેમ્બરના ફિફા વર્લ્ડ કપ પછી આ ત્રીજી મૅચ અને આર્જેન્ટિનાની બહાર પહેલી મૅચ હતી.
મેસી પ્રોફેશનલ ફુટબૉલમાં હવે અમેરિકાની ઇન્ટર માયામી ટીમ વતી રમવાનો છે.

મેસીની ફૅનના હાથમાં અનોખો ફૅન
બીજિંગના સ્ટેડિયમમાં ગુરુવારે લિયોનેલ મેસીની એક ચાહક મેસીના પ્રિન્ટેડ ફોટોવાળો હાથ-પંખો લઈને આવી હતી. એ.એફ.પી.
મેસીએ મૅચની પ્રત્યેક મિનિટે કર્યો છે ગોલ : ૮૭મી મિનિટે તેના છે ૧૬ ગોલ
લિયોનેલ મેસી ૨૦૦૩થી ૨૦૨૩ સુધીની ૨૧ વર્ષની કરીઅર દરમ્યાન કુલ ૮૦૦થી વધુ મૅચ રમ્યો છે અને તેણે ૯૦ મિનિટના રેગ્યુલર ટાઇમની પ્રત્યેક મિનિટે એક કે વધુ ગોલ કર્યા છે. ૮૭મી મિનિટ તેની ફેવરિટ છે અને તેણે મૅચની ૮૭મી મિનિટે ગોલ કર્યો હોય એવું ૧૬ વખત બન્યું છે. બીજી રીતે કહીએ તો ૮૭મી મિનિટે મેસીના ૧૬ ગોલ છે.


