વિરાટ કોહલી પછી સૌથી ફાસ્ટેસ્ટ અંદાજમાં અહીં સુધી પહોંચ્યો
જો રૂટ
યજમાન ઇંગ્લૅન્ડ સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝની પહેલી મૅચમાં શ્રીલંકાને ૮૯ રને હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લૅન્ડે કૅપ્ટન હૅરી બ્રૂકના ૬૭ રનની મદદથી ૪૮.૧ ઓવરમાં ૨૬૫-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં શ્રીલંકા ૩૭ ઓવરમાં માત્ર ૧૭૬ રન કરીને ઑલઆઉટ થયું હતું. લિસ્ટ A ક્રિકેટમાં પહેલી વખત પાંચ વિકેટ લેનાર સ્પિનર વિલ જૅક્સ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
આ મૅચમાં ઇંગ્લૅન્ડના જો રૂટે બાવન બૉલમાં પાંચ ફોરની મદદથી ૪૪ રન કરીને મોટી સિદ્ધિ મેળવી હતી. તે ઇંગ્લૅન્ડ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૩ હજાર રન પૂરા કરનાર પહેલો બૅટર બન્યો હતો. ૩૯૪ મૅચમાં ૬૧ સદીની મદદથી ૨૩,૦૪૧ રન કરીને જો રૂટ વિશ્વના હાઇએસ્ટ રન-સ્કોરરના લિસ્ટમાં આઠમા ક્રમે છે.
આ લિસ્ટમાં નંબર વન બૅટર સચિન તેન્ડુલકર (૬૬૪ મૅચમાં ૩૪,૩૫૭ રન) કરતાં ફાસ્ટેસ્ટ અંદાજમાં જો રૂટ ૨૩ હજાર રન સુધી પહોંચ્યો છે. સચિન કરતાં એક ઇનિંગ્સ પહેલાં ૫૨૧ ઇનિંગ્સમાં જો રૂટે ૨૩ હજાર રન કર્યા છે. વિરાટ કોહલી (૫૬૨ ઇનિંગ્સમાં ૨૮,૩૫૯ રન)એ સૌથી ફાસ્ટેસ્ટ ૪૯૦ ઇનિંગ્સમાં આ કમાલ કરી હતી.
