આજથી ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં જનરેશન ગોલ્ડ અને જનરેશન બોલ્ડની ટક્કર : ભારતની ૩૮ વર્ષની કોનેરુ હમ્પી અને ૧૯ વર્ષની દિવ્યા દેશમુખે પહેલી વાર ફાઇનલમાં પહોંચીને રચ્યો છે ઇતિહાસ
કોનેરુ હમ્પી, દિવ્યા દેશમુખ
આજથી જ્યૉર્જિયામાં વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ શરૂ થશે. ભારતની અનુભવી કોનેરુ હમ્પી અને યંગ પ્લેયર દિવ્યા દેશમુખ આજે ફાઇનલ મૅચમાં ટકરાશે. બન્ને વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલાઓ બની હતી અને પહેલી વાર ચેસ વર્લ્ડ કપમાં બન્ને ભારતીયો ફાઇનલ મૅચ રમશે. આ જંગ ભલે કોઈ પણ જીતે પણ ખરી જીત ભારતની જ થશે. વિજેતાને ૫૦ હજાર અને રનર-અપને ૩૫ હજાર અમેરિકન ડૉલરની પ્રાઇઝ-મની મળશે.
ચીનની પ્લેયર્સને સેમી ફાઇનલમાં હરાવીને આવેલી આ બન્ને પ્લેયર્સ ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન (FIDE)ની કોઈ પણ ઇવેન્ટમાં સામસામે પહેલી વાર રમશે. મોટી મૅચોમાં રમવાના તેના અનુભવના આધારે ૩૮ વર્ષની આંધ્ર પ્રદેશની કોનેરુ હમ્પી ફાઇનલમાં મહારાષ્ટ્રના નાગપુરની ૧૯ વર્ષની દિવ્યા સામે મજબૂત દાવેદાર તરીકે ઊતરશે.
ADVERTISEMENT
વર્લ્ડ કપ ફાઇનલના રાઉન્ડ્સ આજે અને આવતી કાલે રમાશે. જો જરૂરી હોય તો ૨૮ જુલાઈના રોજ ટાઇબ્રેક પણ રમાશે. ભારતમાં સાંજે ૪.૩૦ વાગ્યાથી FIDEની યુ્ટ્યુબ ચૅનલ પર આ ક્લાસિકલ ફૉર્મેટની ચેસનો રોમાંચક જંગ જોઈ શકાશે.


