૬ વખત WWE ચૅમ્પિયનશિપ જીતનાર ૮૦ અને ૯૦ના દાયકાના સૌથી મોટા સુપરસ્ટારનું ૭૧ વર્ષની વયે નિધન
હલ્ક હૉગ
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)ના સ્ટાર હલ્ક હૉગને હાલમાં કાર્ડિઍક અરેસ્ટને લીધે જીવ ગુમાવ્યો છે. ૭૧ વર્ષના આ રેસલિંગ-સ્ટારે પોતાના અમેરિકાના ફ્લૉરિડાના ઘરેથી મેડિકલ ઇર્મજન્સી કૉલ પણ કર્યો હતો. જોકે હૉસ્પિટલમાં તેને મૃત્યુ પામેલો જાહેર કરવામાં આવ્યો હતો. તેના મૃત્યુના સમાચાર બાદ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ, બૉલીવુડ-સ્ટાર વરુણ ધવન અને અર્જુન કપૂર જેવા સ્ટારે ટ્વીટ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
કિશોરાવસ્થામાં રેસલિંગ પ્રત્યે રુચિ વધ્યા બાદ તેણે ઑગસ્ટ ૧૯૭૭માં પ્રોફેશનલ રમતમાં પ્રવેશ કર્યો હતો અને હલ્કની ઉપાધિ મેળવી હતી. ૬ વાર WWE ચૅમ્પિયનશિપ જીતનાર હલ્ક હૉગનને ૨૦૦૫માં WWE હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હલ્ક હૉગન, હૉલીવુડ હૉગન અને મિસ્ટર અમેરિકાના નામથી જાણીતા આ રેસલરનું સાચું નામ ટેરી જીન બોલિયા હતું.
ADVERTISEMENT
થોડા સમય પહેલાં તેણે એક પૉડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે મેં છેલ્લા એક દાયકામાં પચીસથી વધુ સર્જરી કરાવી છે જેમાં પીઠ, ઘૂંટણ, ખભા અને ગરદનની સર્જરી સામેલ છે. છેલ્લે મે ૨૦૨૫માં તેની ગરદનની સર્જરી થઈ હતી. વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ રેસલિંગ (WCW) ૬ વાર અને બે વખત રૉયલ રમ્બલ જીતનાર આ રેસલર ૮૦ અને ૯૦ના દાયકામાં રેસલિંગનો સૌથી મોટો સુપરસ્ટાર હતો. ૬ ફુટ ૭ ઇંચની હાઇટ ધરાવતો આ રેસલિંગ સ્ટાર ઘણી હૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો.


