પાંચ વખતની ચૅમ્પિયન ટીમ સાઉથ કોરિયા સામે ૪-૧થી વિજય મેળવીને ભારત ચોથી વખત હૉકી એશિયા કપ જીત્યું
ભારતીય મેન્સ ટીમે ૮ વર્ષ બાદ હૉકી એશિયા કપની ટ્રોફી ઉપાડી.
બિહારમાં આયોજિત મેન્સ હૉકી એશિયા કપ 2025ની ફાઇનલ મૅચમાં ભારત સાઉથ કોરિયાને ૪-૧થી હરાવીને ચૅમ્પિયન બન્યું છે. આ જીત સાથે હરમનપ્રીત સિંહ ઍન્ડ કંપનીએ બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં આયોજિત હૉકી વર્લ્ડ કપ 2026માં એન્ટ્રી કરી છે. પાંચ વખતની એશિયા કપ ચૅમ્પિયન કોરિયન ટીમ અભેદ્ય ભારતીય ડિફેન્સ સામે કમબૅક નહોતી કરી શકી.
ભારત તરફથી સુખીત સિંહ, દિલપ્રીત સિંહ અને અમિત રોહિદાસે ગોલ કર્યા હતા. કોરિયાની ટીમે ૫૦મી મિનિટે પેનલ્ટી કૉર્નરના આધારે એકમાત્ર ગોલ કર્યો હતો.
ADVERTISEMENT
ભારતીય હૉકી ટીમ આખી ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. માત્ર સાઉથ કોરિયા સામેની સુપર-ફોરની મૅચ જ ૨-૨થી ડ્રૉ રહી હતી. સાઉથ કોરિયા ૧૯૯૪, ૧૯૯૯, ૨૦૦૯, ૨૦૧૩, ૨૦૨૨માં આ ટુર્નામેન્ટ જીત્યું હતું અને ભારત ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૭ બાદ હવે ૨૦૨૫માં પણ એશિયા કપમાં ચૅમ્પિયન બન્યું છે. આ વર્ષે એશિયા કપમાંથી નામ પાછું ખેંચી લેનાર પાકિસ્તાન ૧૯૮૨, ૧૯૮૫ અને ૧૯૮૯ એમ શરૂઆતના ત્રણેય એશિયા કપ જીત્યું હતું.
