બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ભારતીય રેસલર્સ લડાયક મૂડમાં : ફોગાટે એવું પણ કહ્યું કે ‘એક વાર મેં આત્મહત્યાનો વિચાર કરી લીધો હતો’

ભારતીય કુસ્તીબાજોના નૅશનલ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ‘સરમુખત્યારશાહી’ સામે ટોક્યો ઑલિમ્પિક્સ બ્રૉન્ઝ મેડલિસ્ટ બજરંગ પુનિયા અને વર્લ્ડ ચૅમ્પિયનશિપનું મેડલ જીતનારી વિનેશ ફોગાટ સહિતના રેસલર્સે ગઈ કાલે દિલ્હીમાં જંતર મંતર ખાતે વિરોધી દેખાવો કર્યા હતા.

કૈસરગંજના બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણ જે રીતે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાનું તંત્ર ચલાવી રહ્યા છે એનાથી તેઓ ત્રસ્ત હોવાનું મનાય છે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણને તેમના હોદ્દા પરથી હટાવી દેવાની વડા પ્રધાનને અપીલ કરી છે.
આઇએએનએસના અહેવાલ મુજબ ઑલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટે બ્રિજભૂષણ સામેના ચોંકાવનારા અને ગંભીર આક્ષેપમાં કહ્યું હતું કે ‘ફેડરેશનના ચીફ મહિલા રેસલર્સની જાતીય સતામણી કરે છે. તેમણે મને ખોટા સિક્કા કહીને મારી એટલી હદે માનસિક સતામણી કરી હતી કે એક વાર મેં આત્મહત્યાનો વિચાર કરી લીધો હતો. આવતી કાલે હું જીવતી હોઈશ કે નહીં એ પણ કહી શકું એમ નથી. કૅમ્પ લખનઉમાં જ રાખવામાં આવે છે જેથી મહિલા કુસ્તીબાજોની સતામણી કરવાનું તેમના માટે આસાન બને. બ્રિજભૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવવા બદલ અને વડા પ્રધાનને તેમના વિશે ફરિયાદ કરવા બદલ મને મોતની ધમકી પણ મળી છે.’
વિરોધી દેખાવોમાં સાક્ષી મલિક, સરિતા મોર, સંગીતા ફોગાટ, સત્યવર્ત મલિક, જિતેન્દર કિન્હા અને કૉમનવેલ્થના મેડલિસ્ટ સુમિત મલિકનો પણ સમાવેશ હતો અને તેમનો બધાનો એક જ સૂર હતો કે ફેડરેશને તેમને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ.
જાતીય સતામણીને લગતા મારી વિરુદ્ધના આક્ષેપો જો પુરવાર થશે તો હું પોતાને ફાંસીએ ચડાવી દઈશ. બ્રિજભૂષણ શરણ સિંહ