ફ્રેન્ચ ઓપનમાં ભારે કશમકશ પછી ચૅમ્પિયન બન્યો કાર્લોસ અલ્કારાઝ : સૌથી લાંબી ફાઇનલનો ૪૩ વર્ષ જૂનો રેકૉર્ડ તૂટ્યો
રોમાંચક ફાઇનલ જીત્યા પછી લાલ માટીની કોર્ટ પર સૂઈને રડી પડ્યો હતો (ડાબે) અને ટ્રોફી સાથે કાર્લોસ અલ્કારાઝ.
પૅરિસમાં રવિવારે ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગ્લ્સની ફાઇનલમાં શરૂઆતના બે સેટ હાર્યા બાદ અંતિમ ત્રણ સેટમાં જીત મેળવીને સ્પેનનો બાવીસ વર્ષનો કાર્લોસ અલ્કારાઝ ચૅમ્પિયન બન્યો હતો. મેન્સ ટેનિસ રૅન્કિંગ્સના આ નંબર-ટૂ પ્લેયરે ઇટલીના ૨૩ વર્ષના નંબર-વન પ્લેયર જૅનિક સિનરને પાંચ કલાક ૨૯ મિનિટની રોમાંચક ફાઇનલ મૅચમાં હાર આપી હતી. ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં આ સૌથી લાંબી ફાઇનલ મૅચ હતી. આ પહેલાં ૧૯૮૨માં ૪ કલાક ૪૨ મિનિટની ફાઇનલ મૅચનો રેકૉર્ડ હતો. કાર્લોસ અલ્કારાઝ પહેલા બે સેટ 4-6, 6-7 (4-7)થી હારી ગયો હતો; પણ પછીના ત્રણ સેટ તેણે 6-4, 7-6 (7-3) અને 7-6 (10-2)થી જીતી લીધો હતો.
કાર્લોસે પાંચ ગ્રૅન્ડસ્લૅમ ફાઇનલમાં અપરાજિત રહેવાનો પોતાનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. તેણે યુએસ ઓપન (૨૦૨૨), વિમ્બલ્ડન (૨૦૨૩, ૨૦૨૪) અને ફ્રેન્ચ ઓપન (૨૦૨૪, ૨૦૨૫) જેવી ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલ મૅચ જીતી છે. ચૅમ્પિયન બનવા બદલ અલ્કારેઝને પચીસ કરોડ રૂપિયા અને સિનરને રનર-અપ તરીકે ૧૩ કરોડ રૂપિયા મળશે.

