એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયનને છાજે એમ અજેય રહી છે
ખેલાડીઓ
હીરો એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જેની સૌથી આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી એવી ભારત અને એના કટ્ટર હરીફ પાકિસ્તાન વચ્ચેની હાઈ-વૉલ્ટેજ મૅચ આજે ચીનમાં મોકી હૉકી ટ્રેઇનિંગ બેઝમાં રમાશે. ભારતની ગ્રુપ-સ્ટેજની આ છેલ્લી મૅચ છે.
આ મૅચમાં ભારતીય હૉકી ટીમ હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળ ટેબલ ટૉપર્સ તરીકે મૅચમાં ઊતરશે. બીજી તરફ પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા ક્રમે રહેલી પાકિસ્તાનની ટીમ આજે આ ચૅમ્પિયનશિપમાં અજેય રહેલી ભારતીય ટીમ સામે ટકરાશે.
ADVERTISEMENT
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત આ ટુર્નામેન્ટમાં સાચા ફેવરિટ તરીકે રમ્યું છે અને આત્મવિશ્વાસ અને કરિશ્મા સાથે તમામ મૅચો જીતી લીધી છે. ભારતે પ્રથમ મૅચમાં યજમાન ચીનને ૩-૦થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી, ત્યાર બાદ બીજી મૅચમાં જપાનને ૫-૧થી અને ત્રીજી મૅચમાં મલેશિયાને ૮-૧થી હરાવી દીધું હતું. ત્યાર બાદ છેલ્લી મૅચમાં કોરિયા સામે ભારતે ૩-૧થી વિજય મેળવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારત સેમીફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી.
બીજી તરફ પાકિસ્તાનની ટીમે આ ટુર્નામેન્ટમાં એની ગેમમાં સતત સુધારો દર્શાવ્યો છે. મલેશિયા અને કોરિયા સામે તેમણે બે-બેથી મૅચ ડ્રૉ કરી હતી. ત્યાર બાદ જપાનને ૨-૧થી અને ચીનને ૫-૧થી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું.
ભારતીય કૅપ્ટને ગોલની ડબલ સેન્ચુરી કરી
કોરિયા સામેની મૅચમાં કૅપ્ટન હરમનપ્રીત સિંહે નવમી મિનિટે જે ગોલ કર્યો એ તેની કરીઅરનો યાદગાર ગોલ રહ્યો છે. એ ગોલ સાથે તેણે ઇન્ટરનૅશનલ કરીઅરમાં ૨૦૦ ગોલ પૂરા કર્યા છે. તે આ કમાલ કરનાર ભારતનો ત્રીજો અને દુનિયાનો બારમો ખેલાડી બન્યો છે. તેના પહેલાં માત્ર મેજર ધ્યાનચંદ (૫૭૦ ગોલ) અને બલબીર સિંહ સિનિયર (૨૪૬ ગોલ)એ આ સિદ્ધિ મેળવી હતી.
ભારતનું પલડું ભારે
તાજેતરમાં ભારતે પાકિસ્તાનને ખાતરીપૂર્વક પાછળ છોડી દીધું છે. ગયા વર્ષે એશિયન ગેમ્સમાં હૅન્ગઝોઉમાં ભારતે એની પૂલ મૅચમાં પાકિસ્તાનને દસ-બેથી હરાવ્યું હતું. થોડા મહિના પહેલાં ચેન્નઈમાં ભારતે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને ૪-૦થી હરાવી દીધું હતું.
જકાર્તામાં ૨૦૨૨માં એશિયા કપમાં પ્રમાણમાં યુવા ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મૅચ ૧-૧થી ડ્રૉ કરી હતી. બંગલાદેશના ઢાકામાં ૨૦૨૧માં હીરો એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને ૪-૩થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.