યજમાન ટીમ શ્રીલંકાએ ગૉલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી પહેલી ટેસ્ટ-મૅચ પહેલાં પોતાની ટીમમાં છ અનકૅપ્ડ પ્લેયર્સને સામેલ કરીને ૧૮ સભ્યોની સ્ક્વૉડ તૈયારી કરી છે
ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે બંગલાદેશનો કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો અને શ્રીલંકન કૅપ્ટન ધનંજય ડિસિલ્વા.
શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચે શરૂ થનારી બે મૅચની ટેસ્ટ-સિરીઝ સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝન શરૂ થઈ રહી છે. યજમાન ટીમ શ્રીલંકાએ ગૉલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી પહેલી ટેસ્ટ-મૅચ પહેલાં પોતાની ટીમમાં છ અનકૅપ્ડ પ્લેયર્સને સામેલ કરીને ૧૮ સભ્યોની સ્ક્વૉડ તૈયારી કરી છે. ૧૭થી ૨૯ જૂન વચ્ચે રમાનારી બે મૅચની આ સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચ શ્રીલંકાના અનુભવી ઑલરાઉન્ડર ઍન્જેલો મૅથ્યુઝની ફેરવેલ ટેસ્ટ-મૅચ બની રહેશે.
બન્ને દેશ વચ્ચે ૧૨ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે જેમાંથી અગિયારમાં શ્રીલંકાએ બાજી મારી છે, જ્યારે વર્ષ ૨૦૧૬-’૧૭ની બે મૅચની સિરીઝમાં બંગલાદેશે એક ટેસ્ટ જીતીને ૧-૧થી સિરીઝ ડ્રૉ કરી હતી. શ્રીલંકા સામે વર્ષ ૨૦૦૧થી ટેસ્ટ-ક્રિકેટ રમનાર બંગલાદેશી ટીમ માત્ર એક ટેસ્ટ-મૅચ જીતવાના પોતાના સૌથી ખરાબ રેકૉર્ડને સુધારવાનો પ્રયાસ કરશે. બંગલાદેશે માર્ચ ૨૦૧૭માં કોલંબોમાં શ્રીલંકા સામે પોતાની એકમાત્ર ટેસ્ટ-મૅચ જીતી હતી.


