Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ બીજી વાર જીતી લીધી વિમેન્સ પ્રીમિયર લીગ

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ બીજી વાર જીતી લીધી વિમેન્સ પ્રીમિયર લીગ

Published : 06 February, 2026 10:56 AM | IST | Navi Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્મૃતિ માન્ધના અને જ્યૉર્જિયા વોલની ઐતિહાસિક ભાગીદારીના પ્રતાપે હિસ્ટોરિક રનચેઝ કરી : ૨૦૪ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરી શકનાર દિલ્હી કૅપિટલ્સ સતત ચોથી ફાઇનલ મૅચ હાર્યું : સ્મૃતિ માન્ધનાએ ફાઇનલ મૅચની રેકૉર્ડ ૮૭ રનની ઇનિંગ્સ રમીને ૧૦૦૦ રન પૂરા કર્યા

સ્મૃતિ માન્ધના અને જ્યૉર્જિયા વોલે મૅચવિનિંગ ૧૬૫ રનની ભાગીદારી કરી હતી

સ્મૃતિ માન્ધના અને જ્યૉર્જિયા વોલે મૅચવિનિંગ ૧૬૫ રનની ભાગીદારી કરી હતી


વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝનની ફાઇનલમાં દિલ્હી કૅપિટલ્સને ૬ વિકેટે હરાવીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ બીજી વખત ચૅમ્પિયન બનીને મુંબઈ ઇન્ડિયન્સની સરખામણી કરી છે. દિલ્હીએ કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સની શાનદાર ફિફટીના સહારે ૪ વિકેટ ગુમાવીને ટુર્નામેન્ટની ફાઇનલનો અત્યાર સુધીનો હાઇએસ્ટ ૨૦૪ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જવાબમાં બૅન્ગલોરે સ્મૃતિ માન્ધના અને જ્યૉર્જિયા વોલની ઐતિહાસિક ૧૬૫ રનની ભાગીદારીના આધારે ૧૯.૪ ઓવરમાં ૪ વિકેટે ૨૦૪ રન કરીને ટુર્નામેન્ટના ઇતિહાસનો હાઇએસ્ટ રનચેઝ નોંધાવી હતી. દિલ્હીને સતત ચોથી ફાઇનલમાં હાર મળતાં એ ટુર્નામેન્ટની ઑફિશ્યલ ચોકર ટીમ સાબિત થઈ છે.

ટૉસ હાર્યા બાદ દિલ્હી કૅપિટલ્સના ઓપનર્સે સાવચેતીપૂર્વકની શરૂઆત કર્યા બાદ ૭.૩ ઓવરમાં ૭૨ રનના સ્કોરે પોતાની વિકેટ ગુમાવી હતી. ઓપનર લિઝેલ લી ૩ ફોર અને ૩ સિક્સરની મદદથી ૩૦ બૉલમાં ૩૭ રન અને શફાલી વર્મા ૧૩ બૉલમાં ૨૦ રનની ઇનિંગ્સ રમી હતી. અહીંથી દિલ્હીના મિડલ-ઑર્ડરે પડકારજનક ટાર્ગેટ સેટ કરવામાં મદદ કરી હતી. લૉરા વૉલ્વાર્ટે ૨૫ બૉલમાં ૩ ફોર અને બે સિક્સરના આધારે ૪૪ રન કર્યા હતા.



જેમિમા રૉડ્રિગ્સ ચોથા ક્રમે રમવા ઊતરીને કૅપ્ટન તરીકે શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે ૩૭ બૉલમાં ૮ ફોરની મદદથી ૫૭ રન કર્યા હતા. ચિનેલ હેન્રીએ ૨૩૩.૩૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૫ બૉલમાં ૪ ફોર અને બે સિક્સ ફટકારીને અણનમ ૩૫ રન કર્યા હતા. બૅન્ગલોર માટે ભારતીય ફાસ્ટ બોલર્સ અરુંધતી રેડ્ડી અને સાયલી સાતઘરેને એક-એક સફળતા મળી હતી.


ટાર્ગેટ ચેઝ કરવા દરમ્યાન ૯ રનના સ્કોરે બૅન્ગલોરે ઓપનર ગ્રેસ હૅરિસની વિકેટ ગુમાવી હતી. અહીંથી કૅપ્ટન સ્મૃતિ માન્ધના અને જ્યૉર્જિયા વોલે WPLના ફાઇનલના ઇતિહાસની પહેલી ૧૦૦ રનની ભાગીદારી કરીને મૅચમાં ધમાકેદાર વાપસી કરી હતી. જ્યૉર્જિયા વોલે ૧૪ ફોરની મદદથી ૫૪ બૉલમાં ૭૯ રન કર્યા હતા. ટુર્નામેન્ટમાં ૧૦૦૦ રન કરનારી પાંચમી અને બૅન્ગલોરની પહેલી પ્લેયર બનેલી સ્મૃતિ માન્ધના ૪૧ બૉલમાં ૧૨ ફોર અને ૪ સિક્સની મદદથી ૮૭ રનની યાદગારી ઇનિંગ્સ રમી હતી. ફાઇનલ્સની આ સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ બની હતી.

સાત બોલિંગ-વિકલ્પોનો ઉપયોગ કરનાર દિલ્હીએ ૧૭, ૧૮ અને ૧૯મી ઓવરમાં ૧-૧ વિકેટ લઈને મૅચનો રોમાંચ વધાર્યો હતો. જોકે અંતિમ ઓવરમાં ૧૦ રનની જરૂર હતી ત્યારે રાધા યાદવે બૅક-ટુ-બૅક ફોર ફટકારીને બે બૉલ રાખીને જીત અપાવી દીધી હતી. દિલ્હી માટે ચિનેલ હેન્રીએ ૩૪ રન આપીને બે વિકેટ લીધી હતી.


RCBએ ટાઇટલની હૅટ-ટ્રિક કરી

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ફ્રૅન્ચાઇઝી માટે ૨૦૨૪, ૨૦૨૫ અને ૨૦૨૬નું વર્ષ યાદગાર બની ગયું છે. આ ફ્રૅન્ચાઇઝીને એનું પહેલું ટાઇટલ સ્મૃતિ માન્ધનાની ટીમે ૨૦૨૪માં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ટ્રોફી સ્વરૂપે અપાવ્યું હતું. ૨૦૨૫માં વિરાટ કોહલીની મેન્સ ટીમને વર્ષોના દુકાળ બાદ પહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું ટાઇટલ મળ્યું હતું. હવે ૨૦૨૬માં પોતાનું બીજું WPL ટાઇટલ જીતીને સ્મૃતિ માન્ધના ઍન્ડ કંપનીએ ફ્રૅન્ચાઇઝી માટે ટાઇટલની હૅટ-ટ્રિક કરી હતી.

WPLની ક્લોઝિંગ સેરેમનીમાં મલાઇકા અરોરા અને તલવિન્દર સિધુ છવાઈ ગયાં

ગઈ કાલે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલ મૅચ જોવા માટે મોટી સંખ્યામાં ફૅન્સ ઊમટી આવ્યા હતા. ફાઇનલ મૅચ પહેલાં ક્લોઝિંગ સેરેમનીમાં પંજાબી સિંગર તલવિન્દર સિધુ અને ઍક્ટ્રેસ મલાઇકા અરોરા અલગ-અલગ પર્ફોર્મ કર્યા બાદ અંતે સ્ટેજ પર સાથે જોવા મળ્યાં હતાં. તલવિન્દર સિધુ તેના લુકથી અને મલાઇકા અરોરાએ પોતાના આઇટમ-સૉન્ગના ડાન્સ-મૂવ્સથી ક્રિકેટ-ફૅન્સનું મનોરંજન કર્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 10:56 AM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK