આવતી કાલથી T20 વર્લ્ડ કપનો આરંભ : ભારતની પહેલી મૅચ કાલે મુંબઈમાં ગુજરાતી કૅપ્ટનની અમેરિકન ટીમ સામે
(ડાબેથી) મોનાંકની બહેન આશ્વી, બનેવી હર્ષ, પિતા દિલીપ પટેલ, મોનાંક અને તેની પત્ની હિમાની.
ગુજરાતના ગામ મહેડાવ, વલ્લભવિદ્યાનગર અને અમેરિકાથી આવી રહ્યાં છે મૅચ જોવા ફૅમિલી અને ફ્રેન્ડ્સ : સ્ટેડિયમમાં એક આખું બૉક્સ કરાવ્યું બુક : પહેલી વાર મોનાંક પટેલને ભારતની ધરતી પર ભારત સામે રમતો જોવા ઉત્સુક છે પરિવારજનો
આવતી કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેન્સ T20 વર્લ્ડ કપની ભારત અને અમેરિકા વચ્ચે મૅચ રમાશે. આ મૅચ જોવા માટે ખાસ મધ્ય ગુજરાતના મહેડાવ ગામ, વલ્લભવિદ્યાનગર અને છેક અમેરિકાથી ગુજરાતીઓ આવશે અને અમેરિકાની ટીમના કૅપ્ટન મોનાંક પટેલને ચિયર-અપ કરશે. મોનાંક પટેલની ફૅમિલી, ફ્રેન્ડ્સ તથા મહેડાવ ગામ અને વલ્લભવિદ્યાનગરના લોકોએ આ મૅચ જોવા માટે ટિકિટો બુક કરાવી લીધી છે તેમ જ સ્ટેડિયમમાં એક બૉક્સ પણ બુક કરાવી દીધું છે. પહેલી વાર ભારતની ધરતી પર ભારત સામે મોનાંક પટેલને રમતો જોવા તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ તેમ જ ગામના લોકો બહુ જ ઉત્સુક છે.
ADVERTISEMENT
મધ્ય ગુજરાતના આણંદ નજીક આવેલા મહેડાવ ગામના અને હાલ વલ્લભવિદ્યાનગરમાં રહેતા મોનાંક પટેલના પિતા દિલીપ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા દીકરા મોનાંકની મૅચ જોવા હું મુંબઈ જવાનો છું, કેમ કે મોનાંક પહેલી વાર ભારતમાં અને ભારતની ટીમ સામે રમવા જઈ રહ્યો છે. ભારતમાં મોનાંકને વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટમાં લાઇવ રમતો જોવાનો અમને પહેલી વાર લહાવો મળશે. મોનાંકની વાઇફ હિમાની, મોનાંકની બહેન અને મારી દીકરી આશ્વી, જમાઈ હર્ષ પટેલ, મોનાંકના કાકા અને મારો ભાઈ ચિંતન તેમ જ અમેરિકામાં રહેતા મોનાંકના ફ્રેન્ડ્સ અને હાલ અમેરિકામાં રહેતા મૂળ અમારા મહેડાવ ગામના પાડોશીઓ પણ મોનાંકની મૅચ જોવા ખાસ મુંબઈ જવાના છે. પરિવારના આશરે પચીસ જેટલા સભ્યો અને મિત્રો મૅચ જોવા જઈશું અને મોનાંકને પ્રોત્સાહિત કરીશું. મોનાંકની મૅચ જોવા માટે અમે ખાસ એક બૉક્સ પણ બુક કરાવ્યું છે. મારી દીકરી, જમાઈ અને મોનાંકના ફ્રેન્ડ્સ મૅચ જોવા માટે ખાસ અમેરિકાથી મુંબઈ આવી રહ્યાં છે અને મૅચ જોઈને અમેરિકા પાછાં જતાં રહેશે. ભારત સામે મોનાંકને રમતો જોવા માટે મારા સહિત બધાને બહુ જ ઉત્સુકતા છે.’
મોનાંક પટેલ ભારત સામેની મૅચ રમવા માટે આતુર હોવાની વાત કરતાં દિલીપ પટેલે કહ્યું હતું કે ‘મોનાંક ભારતીય ટીમ સામે રમવા એક્સાઇટેડ છે, કેમ કે અમેરિકામાં જ્યારે છેલ્લો T20 વર્લ્ડ કપ રમાયો હતો ત્યારે ભારત સામેની મૅચ પહેલાં મોનાંકને ઇન્જરી થવાથી તે મૅચ રમી શક્યો નહોતો. તે ભારત સામેની મૅચ મિસ કરી ગયો હતો. આ વખતે તેને ભારત સામે રમવાનો ફરી મોકો મળ્યો છે અને તે ભારતીય ટીમ સામે મૅચ રમશે. ભારત સામે મૅચ રમવા માટે મોનાંક આતુર છે.’
દરેક માતા-પિતાની ઇચ્છા હોય કે તેમનો દીકરો કે દીકરી મૅચ જીતે. મોનાંકના પિતા પણ એવું જ ઇચ્છી રહ્યા છે. આ બાબતે દિલીપ પટેલે કહ્યું હતું કે ‘એક પિતા તરીકે હું કહીશ કે કોઈ પણ પિતા તેમના દીકરાની ટીમ જીતે એવું ઇચ્છતા હોય છે, પરંતુ અહીં જીત તો ક્રિકેટની થવાની છે. હું ક્રિકેટની સાથે છું. એક પિતા તરીકે હું કહીશ કે આ એક ગેમ છે. તે દેશની સામે રમશે. તે અહીં ભારતમાં જન્મ્યો, પરંતુ હવે અમેરિકાને રિપ્રેઝન્ટ કરે છે એટલે જે ટીમ સારું રમશે એ જીતશે.’
ભારતની ટીમ T20 મૅચોમાં ઘણો સારો દેખાવ કરી રહી છે અને જબરદસ્ત પર્ફોર્મન્સ કરી રહી છે, ટીમ આત્મવિશ્વાસથી છલોછલ છે ત્યારે મોનાંક દબાણ અનુભવે છે કે કેમ? એવા પ્રશ્નના ઉત્તરમાં દિલીપ પટેલે વિશ્વાસ સાથે કહ્યું હતું કે ‘ભારત સામેની મૅચ પહેલાં મોનાંક પ્રેશરમાં નથી. તે મૅચ્યોર પ્લેયર છે અને ઘણી મૅચ રમ્યો છે. તે સારું પર્ફોર્મ કરી રહ્યો છે. તે સતત બીજા T20 વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમનો કૅપ્ટન બન્યો છે. તેનામાં કેપેબિલિટી છે. અમેરિકાની ટીમના બધા જ પ્લેયરો સાથે તે રહે છે, બધાને સાથે રાખે છે અને લીડરશિપ નિભાવે છે. મેદાન પર અને મેદાન બહાર પણ તે પ્લેયર્સને એન્કરેજ કરે છે.’
દીકરાની મૅચ પહેલાં દિલીપ પટેલની તબિયત નાદુરસ્ત હતી, પરંતુ હવે તેઓ દીકરાને વાનખેડેના મેદાનમાં રમતો જોઈ શકશે. દિલીપ પટેલે કહ્યું હતું કે ‘મને ૨૦ દિવસથી બૅક-પેઇનનો પ્રૉબ્લેમ થયો હતો. મણકાની ગાદી દબાઈ ગઈ છે. બેસાય નહીં એવી સ્થિતિ હતી, પણ હવે સારું છે. ઇન્જેક્શન લઈને આરામ કર્યો છે. સર્જરી નહીં કરવી પડે એટલે હું મારા દીકરાની મૅચ જોવા જઈ શકીશ.’


