અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ઑક્ટોબરે યોજાનારા કાર્યક્રમમાં તમામ ટીમના કૅપ્ટન હાજરી આપશે
આશા ભોસલે, અરિજિત સિંહ, રણવીર સિંહ અને શ્રેયા ઘોષાલ
બૉલીવુડ સિંન્ગિંગ ક્ષેત્રની બે ક્વીન ફીમેલ સિંગર આશા ભોસલે અને શ્રેયા ઘોષાલ વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમનીમાં પોતાના સૂરનો જાદુ પાથરવા તૈયાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી મેગા ઇવેન્ટમાં બૉલીવુડના અન્ય કલાકારો પણ પોતાનો પર્ફોર્મન્સ આપશે. વિશ્વવિખ્યાત ગાયિકા અને મોટી બહેન લતા મંગેશગરના નિધન બાદ આશા ભોસલે ભાગ્યે જ પબ્લિક ફંક્શનમાં ગાતાં જોવા મળે છે. આ પહેલો પ્રસંગ છે કે આશા ભોસલે પહેલી વાર ક્રિકેટની ઇવેન્ટમાં પર્ફોર્મન્સ આપશે. બુધવાર ૪ ઑક્ટોબરે યોજાનારો આ ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ લગભગ બે કલાકનો રહેશે, જેમાં બૉલીવુડ-કાર્યક્રમ ઉપરાંત ગુજરાત અને દેશના અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ ઝલક જોવા મળશે.
૨૦૧૧ના લાંબા સમયગાળા બાદ ભારત ફરી એક વાર એકલા હાથે ૨૦૨૩ વિશ્વકપનું આયોજન કરી રહ્યું છે. ક્રિકેટ અને બૉલીવુડનો ઘણો કરીબી નાતો રહ્યો છે. એ લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતાં આયોજક ભારતે ઓપનિંગ સેરેમનીમાં બૉલીવુડ ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓને ખાસ પર્ફોર્મ કરવા બોલાવાઈ છે. ૬૦ના દસકાથી હાલના સમય સુધી સંગીતવિશ્વ પર રાજ કરનારાં સ્વરસમ્રાજ્ઞી આશા ભોસલે પહેલી વાર ક્રિકેટરસિયા સામે પોતાના સૂરનો જાદુ પ્રસરાવશે. લતાજી અને આશાજી બન્નેને ક્રિકેટ પ્રત્યે અનહદ લગાવ હોવાથી આશા ભોસલેને તેમના ફૅન્સ પ્રથમ વાર ક્રિકેટ સ્ટેડિયમમાં સરગમના સૂર રેલાવતાં જોશે.
ADVERTISEMENT
આશા ભોસલેની સાથે-સાથે બૉલીવુડની નંબર-વન ફીમેલ સિંગર શ્રેયા ઘોષાલ પણ પોતાના સૂરોથી અમદાવાદની જનતાને મદહોશ કરવા તૈયાર છે. અનેક હિટ ગીતો આપી ચૂકેલી શ્રેયા ઘોષાલ અને આશા ભોસલે બન્ને જૂનાં ગીતો પર પણ એક મેલડી પેશ કરે એવા અહેવાલ છે.
મેલ સિંગર હાર્ટથ્રોબ અરિજિત સિંહ પણ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે. ૩૧ માર્ચે આઇપીએલની ઓપનિંગ સેરેમની વખતે પણ અરિજિતે અમદાવાદની જનતાને પોતાનાં હિટ ગીતોથી તરબતર કરી હતી. બીજી બાજુ ૨૦૧૧ વિશ્વકપનું થીમ-સૉન્ગ ગાનાર ક્લાસિકલ સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર શંકર મહાદેવન પણ પોતાની આગવી શૈલીમાં અમદાવાદની જનતાને ઝુમાવવા તૈયાર છે.
એક પછી એક હિટ ફિલ્મો આપી રહેલો બૉલીવુડનો નંબર-વન ઍક્ટર રણવીર સિંહ પણ સતત બીજી વખત અમદાવાદની જનતા સમક્ષ પર્ફોર્મ કરશે. આ વખતની આઇપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં રણવીર સિંહે સ્પેશ્યલ કાર્યક્રમ આપીને ક્રિકેટરસિયાઓનું દિલ જીતી લીધું હતું. રણવીર ઉપરાંત બૉલીવુડ અને ટૉલીવુડ ક્ષેત્રની અન્ય સેલિબ્રિટી પણ આ કાર્યક્રમમાં પર્ફોર્મ કરશે. કાર્યક્રમમાં લેસર લાઇટ શો અને આતશબાજી પણ જોવા મળશે. સાથે-સાથે ભારતની કલ્ચરલ સંસ્કૃતિની આગવી ઓળખ ધરાવતા કાર્યક્રમો પણ આયોજિત થશે.
કાર્યક્રમની રૂપરેખા લાંબી હોવાથી આઇસીસીએ એને ઓપનિંગ મૅચની એક દિવસ અગાઉ આયોજિત કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનિંગ સેરેમની માટે તમામ ૧૦ દેશના કૅપ્ટન ૪ ઑક્ટોબરે અમદાવાદ આવી પહોંચશે. કાર્યક્રમમાં તેઓ ઔપચારિક રીતે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. પાંચમી ઑક્ટોબરે વર્લ્ડ કપની પ્રથમ મૅચ ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાશે. આ મૅચની ટિકિટ ધરાવતા લોકોને ૪ ઑક્ટોબરની ઓપનિંગ સેરેમનીમાં પ્રવેશ અપાશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.


