આજે વિમેન્સ વર્લ્ડ કપમાં આમનેસામને : પાકિસ્તાની મહિલાઓ સામે વન-ડેમાં ભારતની જીતનો રેકૉર્ડ રહ્યો છે ૧૦૦ ટકા : મૅચનો સમય બપોરે 3.0૦ વાગ્યાથી
હરમનપ્રીત કૌર, ફાતિમા સના
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની છઠ્ઠી મૅચ રમાશે. મેન્સ T20 એશિયા કપ 2025માં સતત ૩ રવિવાર સુધી ભારત અને પાકિસ્તાનની મૅચ બાદ ચોથા રવિવારે પણ ક્રિકેટના મેદાન પર બન્ને દેશની ટીમો ટકરાશે. હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ શ્રીલંકાને ૫૯ રને હરાવીને વિજયી શરૂઆત કરી હતી, જ્યારે પાકિસ્તાની ટીમને બંગલાદેશ સામે ૭ વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં જ ૨૭ વખત એકબીજાનો સામનો કરી ચૂક્યાં છે, જેમાં ભારતનો રેકૉર્ડ ૨૪:૩ છે અને પાકિસ્તાનની ફક્ત ૩ જીત T20 ક્રિકેટમાં છે. પાકિસ્તાન સામેની તમામ ૧૧ વન-ડે મૅચ ભારતે જીતી છે. ટુર્નામેન્ટની પોતાની બીજી મૅચમાં ભારત પોતાનો +૧.૨૫૫નો નેટ રનરેટ સુધારવાનો ટાર્ગેટ રાખશે, જ્યારે પાકિસ્તાનની નજર વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની પહેલી જીત પર રહેશે. મેન્સ ટીમની જેમ ભારતીય વિમેન્સ ટીમ પણ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાથી દૂર રહેવાની અપેક્ષા છે. બન્ને ટીમના પ્લેયર્સના વર્તન પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ થઈ
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ગઈ કાલે આયોજિત વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની પાંચમી મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બપોરે ત્રણ વાગ્યાની આ મૅચમાં વરસાદને કારણે ટૉસ પણ થઈ શક્યો નહોતો. મૅચ રદ થતાં ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાએ ૧-૧ પૉઇન્ટ શૅર કર્યો છે. ઑસ્ટ્રેલિયન ટીમ હવે બે મૅચમાંથી ત્રણ પૉઇન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે જ્યારે શ્રીલંકન ટીમ બે મૅચમાં એક પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે.


