પાંચ મૅચમાં દિલ્હીને માત્ર એક વાર હરાવી શક્યું છે ગુજરાત
દિલ્હીની કૅપ્ટન મેગ લૅનિંગ અને ગુજરાતની કૅપ્ટન એશ્લે ગાર્ડનર.
આજે દિલ્હી કૅપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે લખનઉમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની ૧૭મી મૅચ રમાશે. દિલ્હી કૅપિટલ્સ પહેલાંથી જ પ્લેઑફમાં જગ્યા બનાવી ચૂક્યું છે. જીત સાથે તેમના પૉઇન્ટ ૧૨ સુધી પહોંચાડવા ઉપરાંત તેઓ ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માટે તેમના નેટ રન-રેટમાં સુધારો કરવાનો પણ પ્રયાસ કરશે. જો તેઓ આ મૅચ હારશે તો તેમના પછી સૌથી વધુ પૉઇન્ટ ધરાવતી ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પાસે ગ્રુપ-સ્ટેજની બાકીની તમામ મૅચ જીતીને સારા રન-રેટ સાથે ફાઇનલિસ્ટ ટીમનું સ્થાન મેળવવાની તક રહેશે.
૬ મૅચમાંથી ૩ જીત અને ૩ હાર સાથે ૬ પૉઇન્ટ ધરાવતી ગુજરાત જાયન્ટ્સની ટીમ આજની મૅચ જીતીને પ્લેઑફ માટે પોતાનું સ્થાન ઑલમોસ્ટ પાક્કું કરી લેશે. દિલ્હી અને ગુજરાતની ટીમ વચ્ચે પાંચ મૅચ રમાઈ છે જેમાંથી ચાર મૅચમાં દિલ્હીએ અને ગુજરાતે એક મૅચમાં બાજી મારી છે. ગ્રુપ-સ્ટેજની ૮ મૅચ રમ્યા બાદ જે ટીમ પૉઇન્ટ-ટેબલમાં પહેલા ક્રમે હશે એ ફાઇનલિસ્ટ બનશે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમની ટીમ વચ્ચે એલિમિનેટર મૅચ રમાશે.

