ગ્લેન મૅક્સવેલ અને લિયામ લિવિંગસ્ટન પર ટીખી કમેન્ટ કરતાં વીરેન્દર સેહવાગ કહે છે...
વીરેન્દર સેહવાગ
પંજાબ કિંગ્સના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ઑલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન છેલ્લા ઘણા સમયથી ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના પ્રદર્શનને જોતાં રવિવારે પંજાબ-બૅન્ગલોરની મૅચમાં તેમને પ્લેઇંગ ઇલેવનમાંથી ડ્રૉપ કરવામાં આવ્યા હતા. ઑસ્ટ્રેલિયાના મૅક્સવેલને પંજાબે ૪.૨૦ કરોડ રૂપિયામાં અને ઇંગ્લૅન્ડના લિવિંગસ્ટનને બૅન્ગલોરે ૮.૭૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
આ બન્ને ક્રિકેટર્સ માટે ભારતના ભૂતપૂર્વ ઓપનર અને IPL કૉમેન્ટેટર વીરેન્દર સેહવાગે મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે મૅક્સવેલ અને લિવિંગસ્ટનની (રમવાની) ભૂખ મરી ગઈ છે. તેઓ ફક્ત રજા માટે અહીં આવે છે અને રજા માણીને જતા રહે છે. તેઓ આવે છે, મજા કરે છે અને ચાલ્યા જાય છે. તેમનામાં ટીમ માટે લડવાની કોઈ દેખીતી ઇચ્છા નથી. મેં ઘણા ભૂતપૂર્વ વિદેશી પ્લેયર્સ સાથે સમય વિતાવ્યો છે, પરંતુ ફક્ત એક કે બે પ્લેયર્સે જ મને ખરેખર એવું અનુભવ કરાવ્યું કે હા, હું ખરેખર ટીમ માટે કંઈક કરવા માગું છું.’
ADVERTISEMENT

IPL 2025માં ગ્લેન મૅક્સવેલનું પ્રદર્શન
મૅચ - ૦૬
રન - ૪૧
સ્ટ્રાઇક-રેટ - ૧૦૦
બોલિંગ ઇકૉનૉમી - ૮.૪૬
વિકેટ લીધી - ૦૪

IPL 2025માં લિયામ લિવિંગસ્ટનનું પ્રદર્શન
મૅચ - ૦૭
રન - ૮૭
સ્ટ્રાઇક-રેટ - ૧૨૭.૯૪
બોલિંગ ઇકૉનૉમી - ૮.૪૪
વિકેટ લીધી - ૦૨


