શ્રી ઔદીચ્ય સહસ્ર સાઠા ઉત્કર્ષ મંડળ દ્વારા શ્રી ઔદીચ્ય સહસ્ર સાઠા સમાજના ક્રિકેટરો માટે આયોજિત ઉત્કર્ષ પ્રીમિયર લીગ (UPL)ની ૧૩મી સીઝન ઓમકારા ટીમે જીતી લીધી હતી. ફાઇનલમાં ઓમકારા ટીમે એવરેસ્ટ સુપર કિંગ્સને માત આપી હતી.
એવરેસ્ટ સુપર કિંગ્સને હરાવીને ટ્રૉફી સાથે ચૅમ્પિયન બનેલી ઓમકારા ટીમ
શ્રી ઔદીચ્ય સહસ્ર સાઠા ઉત્કર્ષ મંડળ દ્વારા શ્રી ઔદીચ્ય સહસ્ર સાઠા સમાજના ક્રિકેટરો માટે આયોજિત ઉત્કર્ષ પ્રીમિયર લીગ (UPL)ની ૧૩મી સીઝન ઓમકારા ટીમે જીતી લીધી હતી. ફાઇનલમાં ઓમકારા ટીમે એવરેસ્ટ સુપર કિંગ્સને માત આપી હતી.
ગયા રવિવારે દહિસર (વેસ્ટ)માં આવેલા ગોપીનાથ મુંડે ગ્રાઉન્ડમાં રમાયેલી આ લેધર બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટમાં ખેલાડીઓને શૌર્ય, એવરેસ્ટ સુપર કિંગ્સ, ઓમકારા અને બિલિવર એમ કુલ ચાર ટીમમાં હરાજી દ્વારા સામેલ કરવામાં આવ્યા હતા.
સેમી-ફાઇનલમાં ઓમકારાએ બિલિવર સામે ૬૮ રનથી અને એવરેસ્ટ સુપર કિંગ્સે શૌર્ય ટીમ સામે ૮ રનથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં એવરેસ્ટ સુપર કિંગ્સે ૮ ઓવરમાં ૩ વિકેટે ૫૧ રન બનાવ્યા હતા. ઓમકારા ટીમે બાવન રનનો ટાર્ગેટ ૬.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. એક ઓવરમાં માત્ર બે રન આપીને બન્ને ઓપનરોની વિકેટ લેનાર ઓમકારા ટીમનો સુચિત ઠાકર ફાઇનલનો મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. ઓમકારા ટીમનો જ પ્રતીક ઠાકર (૩૩ રન, બે વિકેટ અને એક કૅચ) પ્લેયર ઑફ ધ સિરીઝ અને વિમલ ઠાકર (હાઇએસ્ટ ૮૪ રન) બેસ્ટ બૅટ્સમૅન જ્યારે બિલિવર ટીમનો તેજસ ઠાકર (હાઇએસ્ટ ૪ વિકેટ) બેસ્ટ બૉલર જાહેર થયો હતો. એવરેસ્ટ સુપર કિંગ્સના દેવમ ઠાકરને ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
આ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં મંડળના પ્રમુખ પીનાક ગોર તથા કારોબારી સભ્યોનો મુખ્ય ફાળો હતો.


