ટીમ ઇન્ડિયા શ્રીલંકા ટેસ્ટ-ટૂર માટે રવાના થઈ છે. ટર્નિંગ પિચને ધ્યાનમાં રાખીને ચાર સ્પેશ્યલિસ્ટ સ્પિન નેટ-બોલરોને પણ સાથે લઈ જવાયા છે. ૭ ઑગસ્ટથી પ્રૅક્ટિસ-મૅચ અને ૧૫ ઑગસ્ટથી ટેસ્ટ-સિરીઝ શરૂ થશે.
રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ગઈ કાલે ટીમ ઇન્ડિયા શ્રીલંકાની ટેસ્ટ-ટૂર માટે રવાની થઈ હતી. બપોરે ત્રણ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર દેખાયેલા ક્રિકેટર્સ સાંજે કોલંબોમાં લૅન્ડ થયા હતા. આ શ્રીલંકા ટૂર પર ભારતીય ટીમ ૪ ઍક્સ્ટ્રા સ્પિનરોને નેટ-બોલર તરીકે લઈ ગઈ છે.
નેટ-બોલર તરીકે ટીમમાં તનુષ કોટિયન (ઑફ-સ્પિન), વિપ્રજ નિગમ (લેગ-સ્પિન), શિવાંગ કુમાર (લેફ્ટ આર્મ રિસ્ટ-સ્પિન) અને હર્ષ દુબે (લેફ્ટ આર્મ ઑર્થોડૉક્સ)ની પસંદગી કરવામાં આવી હતી. શ્રીલંકાની ટર્નિંગ પિચને ધ્યાનમાં રાખીને મુખ્ય સ્ક્વૉડમાં પહેલાંથી રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર અને સારાંશ જૈન જેવા સ્પિનર્સને સ્થાન આપવામાં આવ્યું છે.
૭ ઑગસ્ટથી ભારતીય ટીમ ત્રણ દિવસની પ્રૅક્ટિસ-મૅચ રમશે. જોકે કોલંબોમાં પ્રૅક્ટિસ મૅચમાં વરસાદ પડે એવી શક્યતા છે. ઓપનર સાઈ સુદર્શન આ ટેસ્ટ-સિરીઝમાં રમી શકશે કે કેમ એ વિશે હજી પણ શંકા છે. સેન્ટર ઑફ એક્સેલન્સ તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ તે ટીમ સાથે મોડેથી જોડાય એવી સંભાવના છે. શ્રીલંકા સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝ ૧૫થી ૨૭ ઑગસ્ટ દરમ્યાન રમાશે.
