વિપુલ જેપીવાલા ૪૦૦૦ અમેરિકન ડાયમન્ડમાંથી બનાવેલું આ આર્ટ ૧૪ ઑક્ટોબરે વિરાટને ભેટ આપવા માગે છે
સુપરહીરો કોહલીનું અનોખું હીરાનું પોર્ટ્રેટ
કળા જો અનોખી હોય તો એ ઘણી લોકપ્રિયતા અપાવે છે. સુરતના એક કલાકારે એવી કળા દેખાડી જેને તમે મેદાનની બહારની વિરાટ કોહલી જેવી ફટકાબાજી તરીકે ઓળખાવી શકો.
વિપુલ જેપીવાલા નામના આ કલાકારે ૪૦૦૦ ડાયમન્ડનો ઉપયોગ કરીને વિરાટ કોહલીનું પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. જોકે એ પોર્ટ્રેટ કોહલીને આપવા માટે તેની સાથેની મુલાકાતની તે રાહ જોઈ રહ્યો છે. ૧૪ ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં વર્લ્ડ કપની મૅચ રમાવાની છે ત્યારે કોહલી મળી જાય તો વિપુલ જેપીવાલા આ પોર્ટ્રેટ તેને ભેટ આપવા માગે છે.
એશિયા કપમાં પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ વન-ડેની ૪૭મી સદી ફટકારી હતી. એ સદી એક અનોખા વિડિયોના વાઇરલ માટે નિમિત્ત બની ગઈ હતી. એમ તો બે મહિનાથી વિપુલ જેપીવાલા કોહલીનું પોર્ટ્રેટ બનાવી રહ્યો છે, પરંતુ કોહલીની ૪૭મી સદી સાથે વિપુલભાઈ એવો આનંદમાં આવી ગયો કે તેણે ડાયમન્ડથી તૈયાર કરેલા કોહલીના પોર્ટ્રેટનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. એની સાથોસાથ તેણે કોહલીને શુભેચ્છા પણ આપી હતી. આ વિડિયો બહુ ઝડપથી વાઇરલ થયો હતો. સ્વાભાવિક છે કે કોહલીના ચાહકોને એ વિડિયો ગમ્યો જ છે, સાથે-સાથે એમાં કોહલીનું પોર્ટ્રેટ પણ લોકોને ખૂબ ગમ્યું છે.
ADVERTISEMENT
બે મહિનાની મહેનતથી તેણે આ પોર્ટ્રેટ બનાવ્યું છે. એમાં ત્રણ અલગ-અલગ શેડના અમેરિકન ડાયમન્ડનો પણ એમાં ઉપયોગ કર્યો છે. વ્યવસાયે આર્કિટેક્ટ વિપુલભાઈએ પોતાના ડાયમન્ડનો ઉપયોગ કરીને પોર્ટ્રેટ બનાવવાની કળા વિકસાવી છે. એક અમેરિકન ડાયમન્ડ ૭થી ૮ રૂપિયાનો છે. હવે અમેરિકન ડાયમન્ડથી બનેલું આ પોર્ટ્રેટ વિપુલભાઈ કોહલીને ભેટ આપવા માગે છે.