સુનીલ નારાયણે ‘બ્લાસ્ટ-૨૩’માં ૨૦ વિકેટ લીધી છે અને ૧૫૯.૮૪ના સ્ટ્રાઇક રેટથી રન પણ બનાવ્યા છે.
સુનીલ નારાયણ
આ વીક-એન્ડમાં વેસ્ટ ઇન્ડીઝનો ઑલરાઉન્ડર સુનીલ નારાયણ જેવો બિઝી ક્રિકેટર બીજો કોઈ નહીં હોય. તે ૭૫ કલાક દરમ્યાન કુલ બે ઉપખંડ (યુરોપ અને અમેરિકા)માં ૯૦૦૦ માઇલનો પ્રવાસ કરશે.
આઇપીએલની અનેક મૅચમાં ધમાલ મચાવી ચૂકેલો નારાયણ યુકેમાં છ અઠવાડિયાંથી છે. તે ‘બ્લાસ્ટ-૨૩’ નામની લીગમાં સરે વતી તમામ ૧૫ મૅચ રમી ચૂક્યો છે. તે એ ટીમનો ટોચનો વિકેટ-ટેકિંગ બોલર છે.
સુનીલ નારાયણે ‘બ્લાસ્ટ-૨૩’માં ૨૦ વિકેટ લીધી છે અને ૧૫૯.૮૪ના સ્ટ્રાઇક રેટથી રન પણ બનાવ્યા છે. તે શુક્રવારે રાતે મૅન્ચેસ્ટરમાં લૅન્કેશર સામેની ક્વૉર્ટર ફાઇનલમાં સરેને વિજય અપાવ્યા પછી અમેરિકા આવ્યો છે. ત્યાં તે મેજર લીગ ક્રિકેટ (એમએલસી)ની લૉસ એન્જલસ નાઇટ રાઇડર્સ ટીમનો કૅપ્ટન છે.
શુક્રવારે તે પહેલી એમએલસી મૅચ રમ્યા પછી પાછો ઇંગ્લૅન્ડ જશે જ્યાં તે બ્લાસ્ટ-૨૩ની સેમી ફાઇનલમાં રમશે અને જો સરેની ટીમ ફાઇનલમાં પહોંચશે તો નારાયણ કદાચ એમાં પણ રમશે. ઇંગ્લૅન્ડથી તે પાછો તરત જ અમેરિકા આવી જશે.


