કહ્યું કે તેઓ ઇન્ટરનૅશનલ પ્લેયર્સ કરતાં નેટ બોલર્સ વધુ લાગી રહ્યા છે
ફાઇલ તસવીર
અમદાવાદની ટેસ્ટ-મૅચમાં ૯૦ ઓવર બૅટિંગ પણ ન કરી શકનાર વેસ્ટ ઇન્ડીઝને ભારત સામે એક ઇનિંગ્સ અને ૧૪૦ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની બૅટિંગ જેટલી નબળી હતી એટલી જ તેમની બોલિંગ પણ ચિંતાજનક હતી. ઇન્જર્ડ ફાસ્ટ બોલર શમર જોસેફ અને અલઝારી જોસેફની ગેરહાજરીમાં કૅરિબિયન ટીમના બોલરોએ ૧૨૮ ઓવર ફેંકી, પણ ૪૪૮ રન આપીને માત્ર પાંચ વિકેટ જ લઈ શક્યા હતા. એ પાંચમાંથી ૪ વિકેટ સ્પિનરોએ ઝડપી હતી.
મહેમાન ટીમના બોલિંગ-આક્રમણ વિશે વાત કરતાં સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘અમદાવાદમાં પહેલી ટેસ્ટ-મૅચમાં તેમના બોલિંગ-આક્રમણને જોવું આઘાતજનક હતું. ફાસ્ટ બોલર જેડન સીલ્સ સિવાયના બે ફાસ્ટ બોલર્સ જોહાન લેન અને જસ્ટિન ગ્રીવ્સ ઇન્ટરનૅશનલ બોલર્સ કરતાં નેટ બોલર્સ જેવા દેખાતા હતા. અડધો ડઝન ઓવર ફેંક્યા પછી તેને પોતાનો પહેલો બાઉન્સર ફેંકતો જોઈને આશ્ચર્ય થયું કે શું આ ખરેખર વેસ્ટ ઇન્ડીઝનું પેસ આક્રમણ છે?’
ADVERTISEMENT

સુનીલ ગાવસકર
સુનીલ ગાવસકરે વધુમાં કહ્યું હતું કે ‘અમદાવાદમાં ભારતે જે સરળતાથી પ્રથમ ટેસ્ટ-મૅચ જીતી એ નિઃશંકપણે ભારતીય ક્રિકેટ-ફૅન્સ માટે આનંદદાયક હતું, પરંતુ એક સમયની અજેય ટીમ વેસ્ટ ઇન્ડીઝનું કેટલી હદે પતન થયું છે એ જોઈને દુઃખ થયું. દુનિયામાં એવો કોઈ ક્રિકેટ-ફૅન નથી જે છેલ્લા કેટલાક દાયકાઓમાં વેસ્ટ ઇન્ડીઝની ટેસ્ટ-ટીમોના પ્રદર્શનથી નિરાશ ન થયો હોય. ૧૯૬૦ના દાયકાથી ૨૦૦૦ના દાયકાની શરૂઆત સુધી વેસ્ટ ઇન્ડીઝની મહાન ટીમો સામે હારનો સામનો કરનારા ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ તેમના પ્રદર્શનથી નિરાશ છે.’


