ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ આથરટને આવો આરોપ લગાવીને કહ્યું કે એશિયા કપના વિવાદો બાદ હવે આ બન્ને ટીમોને એક ગ્રુપમાં રાખવાની ગોઠવણ બંધ કરી દેવી જોઈએ
માઇકલ આથરટન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઓપનિંગ બૅટ્સમૅન માઇકલ આથરટને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર નાણાકીય લાભ માટે એની મોટી ઇવેન્ટ્સમાં ભારત-પાકિસ્તાન મૅચ યોજવાનો આરોપ લગાવ્યો છે. T20 એશિયા કપ 2025 અને વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં બન્ને ટીમના પ્લેયર્સનું વર્તન જોઈને તેણે ક્રિકેટ દુષ્પ્રચારનું માધ્યમ બની ગયું હોવાની પણ વાત કહી છે.
માઇકલ આથરટને કહ્યું હતું કે ‘રમત માટે પોતાની આર્થિક જરૂરિયાતોના આધારે ટુર્નામેન્ટની મૅચોનું પોતાની પસંદગી અનુસાર આયોજન કરવું વાજબી નથી. હવે ભારત-પાકિસ્તાનની આ હરીફાઈનો અન્ય રીતે દુષ્પ્રચાર માટે ઉપયોગ થઈ રહ્યો છે. ભારત-પાકિસ્તાન મૅચ ICC બૅલૅન્સશીટ માટે મહત્ત્વપૂર્ણ છે. તેમની વચ્ચેની વારંવાર યોજાતી મૅચ મોટો આર્થિક પ્રભાવ પાડે છે. જોકે આગામી ICC ઇવેન્ટમાં મૅચનું શેડ્યુલ પારદર્શક હોવું જોઈએ. બે ટીમો દર વખતે દરેક ઇવેન્ટમાં ટકરાવી ન જોઈએ.’
ADVERTISEMENT
માઇકલ આથરટને વધુમાં કહ્યું હતું કે ‘૨૦૧૩ પછી દરેક ICC ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યાં છે. એશિયા કપમાં બનેલી ઘટના અને વિવાદો પછી
ભારત-પાકિસ્તાનની આ એક જ ગ્રુપની ગોઠવણ બંધ કરી દેવી જોઈએ. ક્રિકેટ તનાવ વધારવાનું અને પ્રૉપેગૅન્ડા ફેલાવવાનું સાધન બની ગયું છે.’


