ત્રીજી વન-ડેમાં ૨૯૧ રનના ટાર્ગેટ સામે ૧૫૦ રનમાં ખખડ્યા કિવીઓ, શ્રીલંકન ટીમ ક્લીન સ્વીપથી બચી
ઘરઆંગણે સળંગ આઠમી વન-ડે સિરીઝ જીત્યા કિવીઓ
ગઈ કાલે ઑકલૅન્ડમાં ત્રીજી વન-ડે મૅચમાં ૧૪૦ રને જીત મેળવીને શ્રીલંકન ટીમે કિવીઓને ત્રણ મૅચની વન-ડેમાં ક્લીન સ્વીપ કરવા દીધી નહોતી. T20 સિરીઝની જેમ ન્યુ ઝીલૅન્ડે વન-ડેમાં પણ ૨-૧ના પરિણામથી સંતોષ કરવો પડ્યો છે. ત્રીજી વન-ડેમાં શ્રીલંકાએ ૮ વિકેટે ૨૯૦ રન ફટકાર્યા હતા. જવાબમાં ન્યુ ઝીલૅન્ડ ૨૯.૪ ઓવરમાં ૧૫૦ રનમાં ઑલઆઉટ થયું હતું. કિવીઓએ પહેલી વન-ડેમાં નવ વિકેટે અને બીજીમાં ૧૧૩ રને જીત મેળવી હતી.
ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં છેલ્લી વન-ડે મૅચ રમી રહેલી શ્રીલંકન ટીમના ઓપનર પથુમ નિસાન્કા (૬૬ રન), વિકેટકીપર કુસલ મેન્ડિસ (૫૪ રન) અને ઑલરાઉન્ડર જેનિથ લિયાનાગે (૫૩ રન)એ મોટી ઇનિંગ્સ રમી હતી. ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
બૅટિંગ સમયે કિવી ટીમ માટે મિડલ ઑર્ડર બૅટર માર્ક ચૅપમૅન જ ફિફ્ટી ફટકારી શક્યો હતો. તેણે ૮૧ બૉલમાં ૧૦ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૮૧ રનની ઇનિંગ્સ રમી હતી. શ્રીલંકા તરફથી ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો, એશિન મલિંગા અને સ્પિનર મહીશ તીક્ષણાએ સૌથી વધુ ૩-૩ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.
ઘરઆંગણે કિવીઓની સળંગ આઠમી વન-ડે સિરીઝમાં જીત
ત્રીજી વન-ડેમાં હાર છતાં ન્યુ ઝીલૅન્ડની ટીમ વન-ડે સિરીઝ જીતી છે. ઘરઆંગણે આ તેમની સળંગ આઠમી વન-ડે સિરીઝ-જીત છે. છેલ્લે તેમને ૨૦૧૮માં ઘરઆંગણે ભારત સામે વન-ડે સિરીઝમાં હાર મળી હતી. ૨૦૦૧ બાદ શ્રીલંકન ટીમ ન્યુ ઝીલૅન્ડમાં વન-ડે સિરીઝ જીતી શકી નથી. વન-ડે મૅચની વાત કરીએ તો ડિસેમ્બર ૨૦૧૫ બાદ શ્રીલંકન ટીમ ન્યુ ઝીલૅન્ડની ધરતી પર પહેલી વાર વન-ડે મૅચ જીતી છે. ૯ વર્ષ બાદ કિવીઓએ ઘરઆંગણે વન-ડે મૅચમાં શ્રીલંકા સામે હારનો સામનો કર્યો છે.


