દેવદત્ત પડિક્કલનની પીઠ પર છપાઈ ગયા નામ અને જર્સી-નંબર, કોલંબો ટેસ્ટ-મૅચમાં ફૉલો-ઑન પછી પણ બીજી મૅચ ડ્રૉ કરાવીને શ્રીલંકાએ ભારત પાસેથી ક્લીન સ્વીપની તક છીનવી લીધી હતી.
શ્રીલંકાના પૂંછડિયા બૅટર્સે સતત બે દિવસ પિચ પર ટકી રહીને ભારતીય ક્રિકેટર્સના હાલ બેહાલ કર્યા
કોલંબો ટેસ્ટ-મૅચમાં ફૉલો-ઑન પછી પણ બીજી મૅચ ડ્રૉ કરાવીને શ્રીલંકાએ ભારત પાસેથી ક્લીન સ્વીપની તક છીનવી લીધી હતી. પાંચમા દિવસની રમતની શરૂઆત ૨૨૯-૬ના સ્કોર સાથે થઈ ત્યારે ભારતે ઝડપથી માત્ર ૪ વિકેટ લેવાની હતી. જોકે શ્રીલંકાના પૂંછડિયા બૅટર્સે દિવસના લગભગ અંત સુધી બૅટિંગ કરીને ટીમને ઑલઆઉટ થવા દીધી નહોતી.
ભારતીય ટીમે અંતિમ બે દિવસમાં ૨૪૩.૪ ઓવર ફેંકવાની સાથે સતત તાપમાં ફીલ્ડિંગ કરી હતી. શ્રીલંકન ટીમે પિચ પર ટકી રહીને પહેલી વખત ભારત સામે ફૉલો-ઑન પછી મૅચ ડ્રૉ કરી હતી. શ્રીલંકા સામે આ પહેલાં આપેલા તમામ ફૉલો-ઑનવાળી મૅચમાં ભારતે એક ઇનિંગ્સથી જીત નોંધાવી હતી.
ગરમીમાં સતત ફીલ્ડિંગ કરીને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના હાલ બેહાલ થયા હતા. આ વાતની સાબિતી જાતે ક્રિકેટર્સે આપી હતી. પ્લેયર ઑફ ધ સિરીઝ દેવદત્ત પડિક્કલે પાંચમા દિવસની રમત પછી પોતાની પીઠનો ફોટો શૅર કર્યો હતો, જેના પર જર્સી નંબર ૩૭ અને DEV લખેલો ભાગ છપાયેલો જોવા મળ્યો હતો.
રિષભ પંતે પોતાના ઇન્જર્ડ ખભાનો ફોટો શૅર કર્યો હતો. પુલ શૉટ રમવાના ચક્કરમાં રિષભ પંતને ઘણી વખત ખભાના ભાગ પર બૉલ વાગ્યો હતો. ખભાનો એ ભાગ લાલ થયેલો જોવા મળ્યો હતો. ખભાની ઇન્જરીને કારણે રિષભ પંત ત્રીજા દિવસની રમતમાં મેદાન પર ફીલ્ડિંગ માટે આવ્યો નહોતો.
