Sports Updates: પંજાબ કિંગ્સના યંગસ્ટર્સે કરી શિખર ધવનના ઘરે ગપસપ; ટેનિસ કોર્ટમાં કપિલ દેવ - કે. એલ. રાહુલની મુલાકાતઅને વધુ સમાચાર
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મુંબઈની ડોમેસ્ટિક ટીમના કૅપ્ટન શાર્દૂલ ઠાકુરની પત્ની મિતાલી ઠાકુરે ગઈ કાલે બેબી-બૉયને જન્મ આપ્યો હતો. પ્રેગ્નન્ટ પત્ની સાથેના ફોટોશૂટના ફોટો શૅર કરીને શાર્દૂલ ઠાકુરે ગઈ કાલે સાંજે આ ખુશખબર આપી હતી. તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે ‘મમ્મી-પપ્પાના દિલની નીચે છુપાયેલું, મૌન, વિશ્વાસ અને અનંત પ્રેમથી સુરક્ષિત અમારું રહસ્ય આખરે સામે આવી જ ગયું. સ્વાગત છે મારા પ્રિય દીકરા. આ એ સ્વપ્ન છે જેને અમે ૯ સુંદર મહિનાઓ સુધી ચૂપચાપ જોયા કર્યું.’ ફેબ્રુઆરી ૨૦૨૩માં શાર્દૂલ અને મિતાલીનાં લગ્ન થયાં હતાં.
પંજાબ કિંગ્સના યંગસ્ટર્સે કરી શિખર ધવનના ઘરે ગપસપ
ADVERTISEMENT

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવને ગઈ કાલે પોતાના ઘરેથી પંજાબ કિંગ્સના યંગ ક્રિકેટર્સ સાથેનો ફોટો શૅર કર્યો હતો. શશાંક સિંહ, હરપ્રીત બરાર અને પ્રિયાંશ આર્ય સાથે ફોટો પોસ્ટ કરીને તેણે લખ્યું કે માનસિક મજબૂતાઈ, શિસ્ત અને યંગસ્ટર્સ સાથેની રમૂજ સાથે મજબૂત ક્રિકેટ-ગપસપ કરી. ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન શિખર ધવને પંજાબ કિંગ્સ માટે ૧૭ T20 મૅચમાં નેતૃત્વ પણ કર્યુ હતું.
સ્મૃતિ માન્ધનાએ કાશ્મીરી ગર્લ અરુને ક્રિકેટ રમવા માટે ચિયર કરી

ફિલ્મ-ડિરેક્ટર કબીર ખાને ભારતીય વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને ટૅગ કરીને એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કબીર ખાને પોતાની હાલની કાશ્મીર-ટૂર દરમ્યાનના ફોટો શૅર કર્યા હતા. આ ફોટોમાં અરુ નામની એક છોકરી મોજામાં બૉલ બાંધીને એને કપડાં સૂકવવાની દોરી સાથે લટકાવી બૅટથી શૉટ રમતી જોવા મળી હતી. સ્મૃતિને ટૅગ કરીને કબીર ખાને લખ્યું હતું કે ‘કાશ્મીરની નાની છોકરી અરુની ફેવરિટ ક્રિકેટર સ્મૃતિ માન્ધના છે. તેણે મને આ સંદેશ સ્મૃતિ સુધી પહોંચાડવા કહ્યું છે. મને આશા છે કે સ્મૃતિ આ પોસ્ટ જોશે.’ આ એક દિવસ બાદ સ્મૃતિએ આ પોસ્ટ પર કમેન્ટ કરી કે ‘કૃપા કરીને નાની ચૅમ્પિયન અરુને મારા તરફથી એક બિગ હગ આપો અને તેને કહો કે હું પણ તેને ચિયર કરું છું.’ જવાબમાં કબીર ખાને કમેન્ટ કરી કે ‘મને ખૂબ આનંદ છે કે તેં આ પોસ્ટ જોઈ. હવે આગામી ટૂર પર જ્યારે હું તેને જોઈશ ત્યારે હું તેને તારો મીઠો સંદેશ બતાવીશ. તું ખરેખર પ્રેરણા છે.’
ટેનિસ કોર્ટમાં કપિલ દેવ અને કે. એલ. રાહુલની મુલાકાત

બૅન્ગલોરમાં આયોજિત વર્લ્ડ ટેનિસ લીગમાંથી શનિવારે રાતે બે ક્રિકેટર્સની મુલાકાતનો વિડિયો વાઇરલ થયો હતો. વર્તમાન ક્રિકેટર કે. એલ. રાહુલ ટેનિસ કોર્ટના સ્ટૅન્ડમાં અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી રહેલા વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવને સામેથી મળવા ગયો હતો. રાહુલને જોઈને ખુશખુશાલ થઈ ગયેલા કપિલ દેવે તેના હાલચાલ પૂછીને ક્રિકેટ-કરીઅર માટે શુભેચ્છાઓ આપી હતી. ટુર્નામેન્ટ દરમ્યાન કે. એલ. રાહુલ ટેનિસ કોર્ટમાં રમત પર હાથ અજમાવતો અને ફૅન્સને ઑટોગ્રાફ આપતો પણ જોવા મળ્યો હતો.


