ગૌતમ ગંભીરના નિર્ણયને સૌરવ ગાંગુલીનો સપોર્ટ
સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં વિકેટકીપર-બૅટર તરીકે રિષભ પંતના સ્થાને કે. એલ. રાહુલને રમાડવાના નિર્ણયને ટેકો આપ્યો છે. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રાહુલને આ ICC ટુર્નામેન્ટ માટે પહેલી પસંદગીનો વિકેટકીપર-બૅટ્સમૅન બનાવ્યો છે જેના કારણે પંતને બહાર બેસવું પડ્યું છે. એક ઇવેન્ટમાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘ભારતની ટીમ ખૂબ જ મજબૂત છે, ખાસ કરીને બૅટિંગમાં. પંત ખૂબ જ સારો પ્લેયર છે, પણ રાહુલનો વન-ડેમાં શાનદાર રેકૉર્ડ છે એટલા માટે મને લાગે છે કે ગૌતમ ગંભીર રાહુલને ટેકો આપી રહ્યો છે. આ બેમાંથી એકને પસંદ કરવો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, કારણ કે બન્ને ઉત્તમ પ્લેયર્સ છે. ભારતમાં પ્રતિભાની કમી નથી, કારણ કે આપણી પાસે એના માટે યોગ્ય વ્યવસ્થા છે.’
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ વિશે વાત કરતાં ગાંગુલી કહે છે કે ‘લિમિટેડ ઓવર્સમાં ભારત ખૂબ જ મજબૂત છે. પાકિસ્તાન સામેનો એનો રેકૉર્ડ દર્શાવે છે કે ભારત લાંબા સમયથી એના પર પ્રભુત્વ ધરાવે છે. ભારત પાકિસ્તાન સામે જીતનું પ્રબળ દાવેદાર તો છે જ, પણ ટુર્નામેન્ટ જીતવાનું પણ પ્રબળ દાવેદાર છે.’
ADVERTISEMENT
૨૦૦૦ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ૩૪૮ રન ફટકારીને આ ટુર્નામેન્ટની એક સીઝનમાં ૩૦૦ પ્લસનો સ્કોર કરનાર સૌરવ ગાંગુલી પહેલો ક્રિકેટર બન્યો હતો, તે ચૅમ્પિયન્સ ટ્રોફીનો ગોલ્ડન બૅટ અવૉર્ડ જીતનાર પહેલો ભારતીય પ્લેયર હતો.

|
કે. એલ. રાહુલનો વન-ડે રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૮૧ |
|
રન |
૨૯૪૪ |
|
સેન્ચુરી |
૦૭ |
|
ફિફ્ટી |
૧૮ |
|
કૅચ |
૬૯ |
|
સ્ટમ્પિંગ |
૦૭ |

|
રિષભ પંતનો વન-ડે રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૩૧ |
|
રન |
૮૭૧ |
|
સેન્ચુરી |
૦૧ |
|
ફિફ્ટી |
૦૫ |
|
કૅચ |
૨૭ |
|
સ્ટમ્પિંગ |
૦૧ |
અભિષેક શર્માને વન-ડેમાં પણ રમાડવાની તરફેણ કરી ગાંગુલીએ

સૌરવ ગાંગુલીએ એવી પણ આશા વ્યક્ત કરી કે વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા ટૂંક સમયમાં વન-ડે ક્રિકેટમાં ડેબ્યુ કરશે. ગાંગુલી કહે છે કે ‘ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં અભિષેક શર્માએ જે રીતે બૅટિંગ કરી એ ડાબા હાથના બૅટ્સમૅન માટે અવિશ્વસનીય હતી. એવું કોઈ કારણ નથી લાગતું કે તે વન-ડે ક્રિકેટ ન રમી શકે. અભિષેક શર્મા જેવો બૅટ્સમૅન વિશ્વની કોઈ પણ ટીમમાં સ્થાન મેળવી શકે છે.’
૨૪ વર્ષના અભિષેક શર્માએ ભારત માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૭ T20 મૅચમાં બે સેન્ચુરી અને બે ફિફ્ટીની મદદથી ૫૩૫ રન કર્યા છે. તેણે પાર્ટ-ટાઇમ બોલર તરીકે ૬ વિકેટ પણ ઝડપી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં લિસ્ટ-A (વન-ડે ફૉર્મેટ)ની ૬૧ મૅચમાં તેણે ૨૦૧૪ રન કરીને ૨૦ વિકેટ પણ ઝડપી છે.


