સ્મૃતિ માન્ધનાએ ૫૦ બૉલમાં સેન્ચુરી ફટકારીને વિરાટ કોહલીનો ૧૨ વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો
સ્મૃતિ માન્ધનાએ ૬૩ બૉલમાં ૧૭ ફોર અને ૫ સિક્સરની મદદથી ૧૨૫ રનની ફટકારી ફાસ્ટેટ સેન્ચુરી
ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ગઈ કાલે ૨૩ બૉલમાં ફિફ્ટી અને ૫૦ બૉલમાં સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. મહિલા ક્રિકેટર તરીકે તેણે ભારત માટે ફાસ્ટેસ્ટ વન-ડે ફિફ્ટી ફટકારી હતી. તેણે ભારતીય ક્રિકેટ માટે ફાસ્ટેસ્ટ વન-ડે સેન્ચુરી કરવાનો વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડ્યો હતો. વર્ષ ૨૦૧૩માં વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયા સામે બાવન બૉલમાં સેન્ચુરી ફટકારી હતી.
૫૦ બૉલની સદી એ વિમેન્સ ક્રિકેટની બીજી ફાસ્ટેસ્ટ સદી હતી. ઑસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કૅપ્ટન મેગ લૅનિંગ ૨૦૧૨-’૧૩ સીઝનમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૪૫ બૉલમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારી ચૂકી છે. ભારત તરફથી સતત બે વન-ડે ઇનિંગ્સમાં સદી કરવાનો રેકૉર્ડ સ્મૃતિ જૂન ૨૦૨૪માં કરી ચૂકી છે. ઑસ્ટ્રેલિયા સામે ચોથી વન-ડે સદી ફટકારવાની સાથે ભારત માટે તેણે સતત બીજા વર્ષે ચાર-ચાર વન-ડે સદીનો રેકૉર્ડ કર્યો છે. ૧૩મી વન-ડે સદી ફટકારનાર ભારતીય ઓપનર સ્મૃતિ માન્ધના મેગ લૅનિંગનો ૧૫ વન-ડે સદીનો રેકૉર્ડ તોડવાની નજીક પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
કાંગારૂઓ સામેના પડકાર પહેલાં ભારતીય વિમેન્સ ટીમે આપ્યો ગુલાબી સંદેશ
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મૅચમાં ગુલાબી રંગની જર્સી પહેરીને એક શક્તિશાળી સંદેશ આપ્યો હતો. આ પહેલ SBI લાઇફ સાથે ભાગીદારીમાં બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ અભિયાનનો એક ભાગ હતી. જર્સીમાં ‘થૅન્ક અ ડૉટ’ સંદેશ લખેલો હતો જે માસિક સ્તન-સ્વપરીક્ષણને પ્રોત્સાહન આપે છે.


