ICCની નવી બેટિંગ રેન્કિંગમાં શુભમન ગિલ ફરી વન-ડેનો નંબર વન બેટર બન્યો છે. T20માં ઈશાન કિશને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 230 સ્થાનની છલાંગ સાથે ટોપ-50માં એન્ટ્રી કરીને સૌને ચોંકાવ્યા છે.
શુભમન ગિલ અને વૈભવ સૂર્યવંશી
ભારતીય વન-ડે ટીમના કૅપ્ટન શુભમન ગિલે તેનું નંબર વન બૅટર તરીકેનું સ્થાન ફરી મેળવી લીધું છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે ગઈ કાલે જાહેર કરેલા રૅન્કિંગમાં ગિલ વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડના ડૅરિલ મિચલને હટાવીને ફરી નંબર વન બૅટર બની ગયો છે. મિચલ જાન્યુઆરીથી નંબર વનના સ્થાન પર બિરાજમાન હતો, પણ અફઘાનિસ્તાન અને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં શાનદાર ફૉર્મને જોરે ગિલે ફરી ટૉપનું સ્થાન મેળવી લીધું હતું. વન-ડેમાં ટૉચના પાંચ બૅટરોમાં ત્રણ ભારતીય બૅટરો ગિલ, વિરાટ કોહલી (૩) અને રોહિત શર્મા (૪)નો દબદબો છે.
T20 રૅન્કિંગમાં વિકેટકીપર-બૅટર ઈશાન કિશને અભિષેક શર્મા (૯૩૧) અને ડેવિડ મલાન (૯૧૯) બાદ થર્ડ-બેસ્ટ ૯૧૦ રેટિંગ પૉઇન્ટ સાથે નંબર વન બૅટરનું સ્થાન જાળવી રાખ્યું હતું, જ્યારે ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી રૅન્કિંગમાં પણ ધમાલ મચાવીને ૨૩૦ સ્થાનના જમ્પ સાથે ૪૮મું સ્થાન હાંસલ કરીને ટૉપ ૫૦ બૅટરોમાં સામેલ થઈ ગયો છે. ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ સિરીઝમાં વૈભવ ખાસ કમાલ નહોતો કરી શક્યો, પણ ઝિમ્બાબ્વે સામે ત્રણ મૅચમાં બે હાફ-સેન્ચુરી સાથે પ્લૅયર ઑફ ધ સિરીઝ બનીને ધમાલ મચાવી હતી. ઝિમ્બાબ્વે સિરીઝમાં ૩ મૅચમાં માત્ર ૧૧ રન બનાવનાર અભિષેક શર્મા એક સ્થાન નીચે ધકેલાઈને ત્રીજા નંબરે પહોંચી ગયો છે.
