IPL 2024નો ચૅમ્પિયન કૅપ્ટન શ્રેયસ ઐયર કહે છે...
શ્રેયસ ઐયર
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે સૌથી વધુ ૨૪૩ રન ફટકારનાર શ્રેયસ ઐયરે પોતાના ખરાબ સમયને લઈને કેટલીક રસપ્રદ વાત શૅર કરી છે. તે કહે છે, ‘૨૦૨૩નો વન-ડે વર્લ્ડ કપ રમ્યા પછી મારો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ સમાપ્ત થઈ ગયો હતો. મેં ફરીથી મૂલ્યાંકન કર્યું કે મેં ક્યાં ભૂલ કરી, મારે શું કરવું જોઈએ, મારે મારી ફિટનેસ પર કેટલું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. મેં મારી જાતને આ બધા પ્રશ્નો પૂછ્યા અને એક દિનચર્યા બનાવી અને મારી તાલીમ તેમ જ મારી કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ હું જીવનના આ ખરાબ તબક્કામાં હોઉં છું ત્યારે બહુ ઓછા લોકો મને મેસેજ કરે છે. એમાં પ્રવીણ આમરે સર (બાળપણના કોચ), અભિષેક નાયર (ભારતના સહાયક કોચ) અને બીજા કેટલાક લોકો છે જેમણે એ સમય દરમ્યાન મને ખૂબ ટેકો આપ્યો હતો અને હું તેમને હંમેશાં મારી સાથે રાખીશ.’
IPL ૨૦૨૪માં કોલકાતા નાઇટ રાઇડર્સની કમાન સંભાળીને ટીમને ચૅમ્પિયન બનાવનાર શ્રેયસ ઐયર કહે છે, ‘હું IPL રમી રહ્યો હતો એથી કોઈ નિરાશા નહોતી. મારું ધ્યાન IPL જીતવાનું હતું અને સદ્નસીબે મેં એ જીતી લીધી. મને વ્યક્તિગત રીતે લાગ્યું કે IPL જીત્યા પછી મને જે ઓળખ જોઈતી હતી એ મળી નથી; પરંતુ દિવસના અંતે, જ્યાં સુધી તમારી પાસે આત્મ-પ્રામાણિકતા હોય ત્યારે તમે યોગ્ય કાર્યો કરતા રહો એ વધુ મહત્ત્વપૂર્ણ છે અને હું એ જ કરતો રહ્યો.’
ADVERTISEMENT
IPL ૨૦૨૫માં મુંબઈનો આ ક્રિકેટર પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરતો જોવા મળશે.

