નવેમ્બર ૨૦૨૩માં બાબર આઝમના સ્થાને ટેસ્ટ-કૅપ્ટન બનેલો મસૂદ આ ટીમને એક પણ ટેસ્ટ જિતાડી શક્યો નથી. ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં પાકિસ્તાનને અનુક્રમે ૦-૩ અને ૦-૨થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો
પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારનો સવાલ સાંભળીને આશ્ચર્યમાં મુકાયો શાન મસૂદ.
સાતમી ઑક્ટોબરથી શરૂ થતી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ પહેલાં આયોજિત એક પ્રેસ-કૉન્ફરન્સમાં એક પત્રકારે પાકિસ્તાનના કૅપ્ટન શાન મસૂદને સવાલ પૂછ્યો હતો કે ‘તમે કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન બોર્ડ તમને તક આપશે ત્યાં સુધી તમે આ પદ પર રહેશો, પરંતુ તમારી અંદરથી એવો અવાજ નથી આવતો કે તમે પદ છોડી દો? તમે સતત હારી રહ્યા છો અને ટીમનું પ્રદર્શન પણ નિરાશાજનક છે, આવી સ્થિતિમાં તમારે કૅપ્ટન્સી છોડવી જોઈએ કે નહીં?’
આ સવાલ સાંભળ્યા બાદ શાન મસૂદના ચહેરા પર સ્પષ્ટ નારાજગી હતી જેમાં તેણે નજીકમાં ઊભેલા મીડિયા ડાયરેક્ટર તરફ જોયું અને પછી એ સવાલ પૂછનાર પત્રકાર તરફ જોઈને સ્મિત કરીને આ પ્રશ્નનો કોઈ જવાબ ન આપ્યો.
નવેમ્બર ૨૦૨૩માં બાબર આઝમના સ્થાને ટેસ્ટ-કૅપ્ટન બનેલો મસૂદ આ ટીમને એક પણ ટેસ્ટ જિતાડી શક્યો નથી. ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં પાકિસ્તાનને અનુક્રમે ૦-૩ અને ૦-૨થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. તે ઑગસ્ટ ૨૦૨૦થી ટીમ માટે ટેસ્ટ-સેન્ચુરી ફટકારી શક્યો નથી. કૅપ્ટન તરીકે પાંચ મૅચમાં તેની બૅટિંગ ઍવરેજ ૨૮.૬ રહી છે.