જયપુરમાં રાજસ્થાન સામે ત્રણમાંથી માત્ર એક મૅચ હાર્યું છે ગુજરાત, વૈભવ સૂર્યવંશીએ આ સ્ટેડિયમમાં જ ગુજરાત સામે ફટકારી હતી ૩૫ બૉલની સેન્ચુરી
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
IPL 2026ની બાવનમી લીગ-સ્ટેજ મૅચ આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સની આ ટક્કર ટૉપ-ફોરના સ્પૉટ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ૧૦ મૅચમાં ૬ જીત અને ૪ હાર સહિત ૧૨ પૉઇન્ટ અને +૦.૫૧૦ના નેટ રનરેટ સાથે રાજસ્થાન ચોથા ક્રમે છે, જ્યારે ગુજરાત ૧૦ મૅચમાં એટલી જ જીત-હાર સાથે ૧૨ પૉઇન્ટ અને -૦.૧૪૭ના નેટ રનરેટ સાથે પાંચમા ક્રમે છે. સીઝનની પહેલી ટક્કરમાં અમદાવાદમાં રાજસ્થાનના ૨૧૧ રનના ટાર્ગેટ સામે ૨૦૪ રન કરીને ગુજરાત ૬ રને હાર્યું હતું. આજે રાજસ્થાન સામે આ હારનો બદલો લઈને ગુજરાત ટૉપ-ફોરમાં એન્ટ્રી કરી શકે છે. ગુજરાતે છેલ્લી ત્રણ મૅચમાં ચેન્નઈ, બૅન્ગલોર અને પંજાબ સામે જીત મેળવી છે. રાજસ્થાનને પોતાની ૪ હાર છેલ્લી ૬ મૅચમાં મળી છે. જયપુરના સ્ટેડિયમમાં ગુજરાત ત્રણમાંથી બે મૅચ જીત્યું છે અને એક મૅચ હાર્યું છે. આ ત્રણેય મૅચ ગુજરાતે રાજસ્થાન સામે જ રમી હતી અને ૨૦૨૫ની અંતિમ ટક્કરમાં જ અહીં હાર મળી હતી. આ જ મૅચમાં વૈભવ સૂર્યવંશીએ ૩૫ બૉલમાં પોતાની પહેલી IPLસેન્ચુરી નોંધાવી હતી. વર્તમાન સીઝનમાં જયપુરના સ્ટેડિયમમાં હોમ-ટીમ રાજસ્થાન બે મૅચ રમી છે અને બન્નેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પાંચ વિકેટે અને દિલ્હી કૅપિટલ્સ સામે ૭ વિકેટે હાર મળી છે. આ મેદાન પર રાજસ્થાન ૬૯ મૅચ રમ્યું છે એમાંથી ૪૩ જીત અને ૨૬ હાર મળી છે.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૯ |
|
ગુજરાતની જીત |
૬ |
|
રાજસ્થાનની જીત |
૩ |
ADVERTISEMENT
પિન્ક પ્રૉમિસ પહેલ હેઠળ રાજસ્થાન આજે સંપૂર્ણ પિન્ક જર્સીમાં રમશે

ગુજરાત ટાઇટન્સ સામેની આજની મૅચમાં રાજસ્થાન રૉયલ્સના ખેલાડીઓ બ્લુ-પિન્કના મિશ્રણવાળી જર્સીને બદલે સંપૂર્ણ પિન્ક જર્સીમાં જોવા મળશે. રાજસ્થાન રૉયલ્સ ફાઉન્ડેશન રાજસ્થાનની ગ્રામીણ મહિલાઓના સન્માનમાં છેલ્લી બે સીઝનથી #PinkPromise પહેલ હેઠળ અનોખી પિન્ક જર્સી સાથે મેદાન પર ઊતરે છે. આ વખતની પિન્ક જર્સીમાં સૌર-પ્રેરિત પૅટર્ન અને ફાઉન્ડેશન દ્વારા સમર્થિત મહિલાઓનાં નામ સામેલ છે. આ ડિઝાઇન પહેલના મુખ્ય સંદેશ ‘ઔરત હૈ તો ભારત હૈ’ ને પ્રતિબિંબિત કરે છે. આજની મૅચમાં દરેક સિક્સ સાથે રાજસ્થાનનાં ૬ ઘરોને સોલર પૅનલ મળશે. આ પહેલનો હેતુ ગરીબ સમુદાયોમાં મહિલાઓ દ્વારા સંચાલિત વીજળીકરણ પ્રોજેક્ટ્સને ટેકો આપવાનો છે. આ ઝુંબેશ દ્વારા ૨૦૨૪માં ૨૬૦ ઘરોને સફળતાપૂર્વક વીજળી પૂરી પાડવામાં આવી હતી અને ૨૦૨૫માં એની પહોંચ ૫૨૦થી વધુ ઘરો સુધી વિસ્તૃત કરવામાં આવી હતી. આ મૅચની ટિકિટ અને પિન્ક જર્સીના વેચાણથી મળતા પૈસાનો ઉપયોગ મહિલાઓની આગેવાની હેઠળના ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટ્સને ટેકો આપવામાં થશે.
