મંગળવારે ફંક્શનમાં ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ રોહિત શર્મા ઍન્ડ કંપનીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
રોહિત શર્માની ફાઇલ તસવીર
રોહિત શર્માની વન-ડેની કૅપ્ટન્સીથી કહેવાતી હકાલપટ્ટી માટે સિલેક્ટર અજિત અગરકર સાથે હેડ કોચ ગૌતમ ગંભીર પણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રોહિત શર્માએ આ મામલે હજી સુધી કોઈ ખુલાસો ન કર્યો હોવાથી રોજેરોજ નવા-નવા તર્કવિતર્ક મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે. તાજેતરમાં બે-બે આઇસીસી ટ્રોફી જિતાડી આપી હોવા છતાં તેની હકાલપટ્ટીથી રોહિત નારાજ હોવાના પણ અહેવાલ છે. ૨૦૨૩માં જરાક માટે ચૂકી ગયેલા રોહિતની ઇચ્છા તેના નેતૃત્વમાં ૨૦૨૭નો વર્લ્ડ કપ જિતાડીને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની હોવાની માનવામાં આવે છે.
મુંબઈ ઇન્ડિયનની કૅપ્ટન્સીથી હકાલપટ્ટી બાદ પણ રોહિત મોટા ભાગે મૌન રહ્યો હતો અને આ વખતે પણ અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પણ મંગળવારે સીએટ અવૉર્ડ્સ ફંક્શન દરમ્યાનનું તેનું એક સ્ટેટમેન્ટ ભારે વાઇરલ થયું છે અને ચાહકો તેને ગંભીર સામેનો પલટવાર તરીકે જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
મંગળવારે ફંક્શનમાં ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ રોહિત શર્મા ઍન્ડ કંપનીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રોહિતે આ પ્રસંગે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે ‘મને આ ખૂબ જ ગમે છે. મને તેમની સાથે રમવું ખૂબ જ ગમે છે. અમે બધા ઘણાં વર્ષોથી સાથે રમી રહ્યા હતા અને ખૂબ મહેનત કરી રહ્યા હતા. અમે ઘણી વખત ટ્રોફી જીતવાની ખૂબ જ નજીક પહોંચી જતા હતા પણ જીત મેળવી નહોતા શકતા. એથી બધા મળીને નક્કી કર્યું હતું કે ચૅમ્પિયન ટ્રોફી વખતે કંઈક અલગ કરવું છે. રાહુલભાઈ સાથે મળીને ટીમના માઇન્ડસેટમાં બદલાવ કરવાની જે મહેનત કરી હતી એનું ફળ અમને આઠેક મહિના બાદ ચૅમ્પિયન્સ ટ્રોફીની જીતના રૂપમાં મળ્યું હતું.’
આમ રોહિતે ચૅમ્પિયન્સ ટ્રોફીની જીતને એ સમયના કોચ ગૌતમ ગંભીરને આપવાને બદલે તેના પહેલાના કોચ રાહુલ દ્રવિડને આપવાને તેની નારાજગી વ્યક્ત કરી હોવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.


