મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં ત્રણ કલાક સુધી ચાલી સર્જરી, સંપૂર્ણપણે સાજો થતાં મહિનાઓ લાગશે
પંતના ઘૂંટણની સર્જરી સફળ
ગયા સપ્તાહે ભયાનક કાર-ઍક્સિડન્ટમાં ચમત્કારિક રીતે બચી ગયેલા ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતની શુક્રવારે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઘૂંટણના અસ્થિબંધનની આ સર્જરી સફળ રહી હતી. હાલ તે ડૉક્ટરોની નિરીક્ષણ હેઠળ છે. ડૉ. દિનશા પારડીવાલાની સલાહ મુજબ ક્રિકેટ બોર્ડ આગળની કાર્યવાહી કરશે. તેની આ સર્જરી અંધેરીમાં આવેલી હૉસ્પિટલના સેન્ટર ફૉર સ્પોર્ટ્સ મેડિસિનના હેડ અને ઑર્થોસ્કોપી ઍન્ડ શોલ્ડર સર્વિસના ડિરેક્ટર પારડીવાલાની દેખરેખ હેઠળ થઈ હતી. આ સર્જરી સવારે ૧૦ વાગ્યે શરૂ થઈ હતી, જે ત્રણ કલાક સુધી ચાલી હતી. પંતની સારવારનો તમામ ખર્ચ ક્રિકેટ બોર્ડ જ ઉઠાવી રહ્યું છે. તેને સંપૂર્ણપણે સાજો થતાં થોડા મહિના લાગશે.
પંતને ગયા બુધવારે દેહરાદૂનથી ઍર ઍમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યો હતો. ૨૫ વર્ષના આ ખેલાડીનો ૩૦ ડિસેમ્બરની વહેલી સવારે દિલ્હીથી રુડકી પોતાના પરિવારને મળવા જઈ રહ્યો હતો ત્યારે તેની કાર ડિવાઇડર સાથે અથડાતાં અકસ્માત થયો હતો. લેફ્ટી બૅટરને સાજો થતાં થોડા મહિના લાગશે. મુંબઈ લાવતાં પહેલાં તેની દેહરાદૂનમાં આવેલી મૅક્સ હૉસ્પિટલમાં સારવાર થઈ હતી.


