Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કેટલાંક જખમ એ વાતનો પુરાવો છે કે એમના માટે કરેલી ફાઇટ યોગ્ય હતી

કેટલાંક જખમ એ વાતનો પુરાવો છે કે એમના માટે કરેલી ફાઇટ યોગ્ય હતી

Published : 12 May, 2026 02:41 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાયપુરમાં શરીરમાં ખેંચાણ છતાં બૅટિંગ કરનાર કૃણાલ પંડ્યાએ પેટમાં થયેલી ઇન્જરીનો ફોટો શૅર કરીને લખ્યું કે...

સોશ્યલ મીડિયા પર કૃણાલ પંડ્યાએ પેટ પર થયેલી ઇન્જરીનો ફોટો શૅર કર્યો હતો અને અંતિમ બૉલે મળેલી જીત બાદ કૅપ્ટન રજત પાટીદાર અને વિરાટ કોહલી સાથે ઉજવણી કરતો કૃણાલ પંડ્યા.

સોશ્યલ મીડિયા પર કૃણાલ પંડ્યાએ પેટ પર થયેલી ઇન્જરીનો ફોટો શૅર કર્યો હતો અને અંતિમ બૉલે મળેલી જીત બાદ કૅપ્ટન રજત પાટીદાર અને વિરાટ કોહલી સાથે ઉજવણી કરતો કૃણાલ પંડ્યા.


રાયપુરમાં ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો પણ બૅટથી તેણે જબરદસ્ત ધમાલ મચાવી હતી. ૧૬૭ રનના ટાર્ગેટનો પીછો કરતાં જ્યારે બૅન્ગલોરે ૧૨.૧ ઓવરમાં ૯૪  રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે પાંચમા ક્રમે રમવા આવેલો કૃણાલ પંડ્યા ટીમ માટે તારણહાર બન્યો હતો. શરીરના અલગ-અલગ ભાગોમાં ખેંચાણ છતાં દુખાવા વચ્ચે તેણે ૪૬ બૉલમાં ૪ ફોર અને પાંચ સિક્સની મદદથી ૭૩ રન ઝૂડ્યા હતા. ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પેટ પર થયેલી ઇન્જરીનો ફોટો શૅર કરીને કૃણાલ પંડ્યાએ લખ્યું હતું કે ‘કેટલાક ઘાવ એ વાતનો પુરાવો છે કે એના માટે કરેલી ફાઇટ યોગ્ય હતી.’ મૅચ બાદ એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો કે ‘મારા શરીરમાં અલગ-અલગ ભાગમાં ખેંચાણથી દુખાવો થઈ રહ્યો હતો. હું સામાન્ય રીતે લાંબા સમય સુધી બૅટિંગ કરતો નથી. એટલે આ મારા માટે થોડું મુશ્કેલ અને નવું હતું.’ સ્પિન-ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ૨૦૧૬માં મુંબઈ માટે ૮૬ રન, બૅન્ગલોર માટે ૨૦૨૫માં ૭૩ રન અને હવે ૨૦૨૬માં ફરી ૭૩ રન કરીને પોતાની ત્રીજી IPL ફિફ્ટી નોંધાવી હતી. પોતાની જૂની ટીમ મુંબઈ સામે તે પહેલી જ વખત બૅટિંગ કરતો જોવા મળ્યો હતો.

મુંબઈ અને પોલાર્ડની વાત કરીને ઇમોશનલ થયો કૃણાલ પંડ્યા 

મૅચ બાદના ઇન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું કે ‘તું કાયરન પોલાર્ડની ખૂબ નજીક રહ્યો છે. મુંબઈની ટીમના પરિચિત ચહેરાઓ જોવા અને તેમની સામે સ્પર્ધા કરવા બદલ કેવું લાગે છે?’ જવાબમાં કૃણાલ પંડ્યાએ કહ્યું કે ‘પોલી (કાયરન પોલાર્ડ) મારો મોટો ભાઈ છે. મેં મુંબઈની ટીમમાં મારાં શ્રેષ્ઠ ૬ વર્ષ (૨૦૧૬થી ૨૦૨૧) વિતાવ્યાં છે. મને યાદ છે કે પંડ્યા ભાઈઓ અને કાયરન પોલાર્ડ ટીમના એન્જિન રૂમ હતા. અમે બૅટ, બૉલ અને ફીલ્ડિંગ સાથે ઘણી રમતો જીતી હતી. મને હજુ પણ યાદ છે કે ૨૦૨૧માં જ્યારે મુંબઈ માટે અમારી છેલ્લી મૅચ હતી ત્યારે અમે ત્રણેએ એકબીજાના હાથ પકડીને કહ્યું હતું કે આ આપણી એકસાથે રમેલી છેલ્લી મૅચ હશે. એ ખરેખર ​ઇમોશનલ ક્ષણ હતી. પોલાર્ડ મને ગમે છે, તે શાનદાર માણસ છે.’

રવિચન્દ્રન અશ્વિનની ડિમાન્ડ : Bring Back Bhuvi

૩૬ વર્ષની ઉંમરે પણ મેદાન પર તરખાટ મચાવી રહેલા ભુવનેશ્વર કુમાર માટે કૉમેન્ટેટર રવિચન્દ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. ભુવીને પાછો લાવો એવા હૅશટૅગનો ઉપયોગ કરીને ભારતનો ભૂતપૂર્વ સ્પિનર અશ્વિન કહે છે, ’BringBackBhuvi. મને T20 ટીમમાં તેનું સિલેક્શન અને તેને રમતો જોવાનું ગમશે.’ અશ્વિન આગળ કહે છે, ‘નવા બૉલથી સચોટ બોલિંગ, ડેથ ઓવરોમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા અને જો તમને પ્રેશરવાળી રમતમાં સિક્સની જરૂર હોય ત્યારે ભુવનેશ્વર કુમાર મેદાનના સૌથી મુશ્કેલ ભાગ સુધી પણ શક્તિશાળી સિક્સ ફટકારી શકે છે. મુંબઈ સામે તેણે સંપૂર્ણ ટેસ્ટ-મૅચ જેવી શિસ્ત સાથે બોલિંગ કરી. હું તેના માટે ખૂબ જ ખુશ છું.’

મુંબઈ સામે ચાર વિકેટ લેવા ઉપરાંત ભુવીએ બે બૉલમાં એક સિક્સની મદદથી ૭ રન પણ ફટકાર્યા હતા.

ભારતીય ટીમ માટે છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં રમ્યો હતો ભુવી

IPL ઇતિહાસમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેનાર ભુવનેશ્વર કુમાર છેલ્લે ભારતીય ટીમ માટે નવેમ્બર ૨૦૨૨માં રમ્યો હતો. તે છેલ્લે ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝમાં રમ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૨માં T20 ડેબ્યુ બાદ ભુવનેશ્વર કુમારે ભારત માટે ૮૭ મૅચમાં ૬.૯૬ના ઇકૉનૉમી-રેટથી ૯૦ વિકેટ લીધી છે. ફેબ્રુઆરી ૨૦૧૩થી જાન્યુઆરી ૨૦૧૮ વચ્ચે ૨૧ ટેસ્ટ-મૅચમાં ભુવનેશ્વર કુમારે ૬૩ વિકેટ લીધી છે. ડિસેમ્બર ૨૦૧૨થી જાન્યુઆરી ૨૦૨૨ દરમ્યાન તેણે ૧૨૧ વન-ડે મૅચમાં ૧૪૧ વિકેટ લીધી હતી. 

 


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 02:41 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK