નિધ્યાનાના ચોથા બર્થ-ડેએ રવીન્દ્ર જાડેજાની વાઇફ રિવાબાએ જરૂરિયાતમંદ એવા પાંચ પરિવારની દીકરીના નામે ૧૦-૧૦ હજાર જમા કરાવીને સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવ્યાં
રવીન્દ્ર જાડેજાની વાઇફ રિવાબા અને પત્ની સાથે
રવીન્દ્ર જાડેજાની દીકરી નિધ્યાનાબાનો ગઈ કાલે બર્થ-ડે હતો ત્યારે રવીન્દ્રની વાઇફ રિવાબા જાડેજાએ એક ઉમદા પગલું ભર્યું હતું અને આર્થિક રીતે જરૂરિયાતમંદ એવા પાંચ પરિવારની દીકરીઓના નામે પોસ્ટ-ઑફિસમાં ૧૦-૧૦ હજાર રૂપિયા ડિપોઝિટમાં મૂકીને બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. રિવાબાએ કહ્યું કે ‘આ મદદ નથી, નાનકડી ભેટ છે દીકરીઓના ઉજ્જ્વજળ ભવિષ્ય માટેની. હું તો કહીશ કે બધાએ આવું કરવાની જરૂર છે. તમારી ખુશી શું કામ બીજાના ચહેરા પર આનંદ ન લાવે. આ વર્ષે અમે આવું પગલું ભર્યું છે અને ઈશ્વરની મરજી હશે, માતાજીની દયા હશે તો અમે દર વર્ષે યથાશક્તિ આ પ્રકારે જ દીકરીનો બર્થ-ડે ઊજવીશું.’
રવીન્દ્ર જાડેજા અત્યારે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે ઇંગ્લૅન્ડ છે અને રિવાબા જામનગર રહે છે. ગઈ કાલે પાંચ દીકરીઓને સેવિંગ્સ અકાઉન્ટની પાસબુક સોંપવાની જે પ્રોસેસ થઈ એમાં તે વિડિયો-કૉન્ફરન્સથી જોડાયો હતો. રિવાબાએ કહ્યું કે ‘દરેક ખુશીને ઊજવવાની એક રીત હોય. આ અમારી રીત છે અને મને લાગે છે કે આ રીત અત્યારના સમયની સૌથી બેસ્ટ રીત છે. તમે ખુશ થાઓ, પણ તમારી ખુશીથી અન્ય લોકોને પણ ખુશી મળવી જોઈએ.’

