ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રણજીમાં મુંબઈ-મહારાષ્ટ્ર વચ્ચે આજથી ‘પ્રી-ક્વૉર્ટર ફાઇનલ’

રણજીમાં મુંબઈ-મહારાષ્ટ્ર વચ્ચે આજથી ‘પ્રી-ક્વૉર્ટર ફાઇનલ’

24 January, 2023 12:40 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રુપ ‘બી’માંથી સૌરાષ્ટ્ર નૉકઆઉટમાં પહોંચી ગયું : જોકે રવીન્દ્ર જાડેજાના કમબૅકથી તામિલનાડુની ટીમને ઉનડકટ ઇલેવનથી વધુ ખતરો

ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન સૌરાષ્ટ્રનો લેફ્ટ-આર્મ પેસ બોલર ચેતન સાકરિયા (ઉપર) અને કમબૅકમૅન રવીન્દ્ર જાડેજા (ડાબે). ગયા વર્ષે ઑગસ્ટમાં ઘૂંટણની ઈજા બાદ જાડેજા રમ્યો જ નથી. તસવીર પી.ટી.આઇ. Ranji Trophy

ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન સૌરાષ્ટ્રનો લેફ્ટ-આર્મ પેસ બોલર ચેતન સાકરિયા (ઉપર) અને કમબૅકમૅન રવીન્દ્ર જાડેજા (ડાબે). ગયા વર્ષે ઑગસ્ટમાં ઘૂંટણની ઈજા બાદ જાડેજા રમ્યો જ નથી. તસવીર પી.ટી.આઇ.

ભારતની સર્વોત્તમ ડોમેસ્ટિક ક્રિકેટ સ્પર્ધા રણજી ટ્રોફીની ૨૦૨૨-’૨૩ સીઝનમાં આજે લીગ મૅચોનો છેલ્લો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જેમાં કેટલીક ટીમોના ભાવિનો ફેંસલો થશે અને અમુક ટીમોને પરાજયની કોઈ અસર નહીં થાય.

ગ્રુપ ‘એ’માંથી બેંગોલ, ગ્રુપ ‘બી’માં સૌરાષ્ટ્ર, ગ્રુપ ‘સી’માં કર્ણાટક અને ગ્રુપ ‘ડી’માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મધ્ય પ્રદેશની ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. હજી દરેક ગ્રુપમાંથી વધુ એક ટીમ આજે શરૂ થનારા રાઉન્ડના પરિણામના આધારે ક્વૉર્ટરમાં પહોંચશે. ખાસ કરીને ગ્રુપ ‘બી’ની વાત કરીએ તો બીજી ક્વૉર્ટર ફાઇનલિસ્ટ ટીમ બનવા માટે મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે જોરદાર રસાકસી જોવા મળશે.

મુંબઈને કેવી રીતે વધુ મોકો?


સી.સી.આઇ.ના બ્રેબર્ન સ્ટેડિયમમાં આજે (સવારે ૯.૩૦ વાગ્યાથી) મુંબઈ-મહારાષ્ટ્ર વચ્ચે ચાર દિવસનો મુકાબલો શરૂ થઈ રહ્યો છે. આ બેમાંથી એક જ ટીમ ક્વૉર્ટરમાં જશે. મુંબઈ (૨૩ પૉઇન્ટ) અને મહારાષ્ટ્ર (૨૫)માંથી એક જ ટીમ સૌરાષ્ટ્ર (૨૬)ને ઓવરટેક કરી શકશે. જો મુંબઈ-મહારાષ્ટ્રનો મુકાબલો ડ્રૉમાં પરિણમ્યો હશે અને મુંબઈએ ફર્સ્ટ ઇનિંગ્સની લીડ લીધી હશે તો ૩ પૉઇન્ટ મળતાં મુંબઈના ૨૬ પૉઇન્ટ થશે અને મહારાષ્ટ્રને ૧ પૉઇન્ટ મળતાં એના પણ ૨૬ પૉઇન્ટ થશે. આ સ્થિતિમાં બન્નેના ૨૬-૨૬ પૉઇન્ટ થશે તો મુંબઈને ક્વૉર્ટરમાં જવા મળશે, કારણ કે સૌરાષ્ટ્રની જેમ મુંબઈ પાસે પણ બે બોનસ પૉઇન્ટ છે, જ્યારે મહારાષ્ટ્ર પાસે એક પણ નથી.

મૅચ જીતનાર ટીમને ૬ પૉઇન્ટ મળે છે, ડ્રૉ જતી મૅચમાં પ્રથમ દાવની લીડ લેનારી ટીમને ૩ અને હરીફ ટીમને ૧ પૉઇન્ટ મળે છે. મૅચ ટાઇ થાય તો બન્ને ટીમને ૩-૩ પૉઇન્ટ મળે છે.


મુંબઈ-મહારાષ્ટ્રમાંથી જે ટીમ આજે શરૂ થતી મૅચ જીતશે અથવા ડ્રૉના રિઝલ્ટમાં જે ટીમે લીડ લીધી હશે એ ક્વૉર્ટરમાં પહોંચી જશે. આ ગ્રુપમાં આંધ્રને નજીવો મોકો છે.

આ પણ વાંચો :  સરફરાઝની ત્રીજી સદીએ મુંબઈની આબરૂ સાચવી

સૌરાષ્ટ્રને ટાઇ પણ નહીં નડે

ગ્રુપ ‘બી’માં હાઇએસ્ટ ૨૬ પૉઇન્ટ ધરાવનાર સૌરાષ્ટ્ર આજથી ચેન્નઈમાં તામિલનાડુ સામે રમશે. નૉકઆઉટની રેસમાંથી તામિલનાડુ આઉટ છે, પરંતુ જો સૌરાષ્ટ્રને એ હરાવશે અને બીજી બાજુ મુંબઈ-મહારાષ્ટ્રની મૅચ ટાઇ થઈ હશે તો પણ મહારાષ્ટ્ર તો ૨૮ પૉઇન્ટ સાથે ક્વૉર્ટરમાં જશે, પણ મુંબઈ આઉટ થઈ જશે, કારણ કે મુંબઈના સૌરાષ્ટ્ર જેટલા ૨૬ પૉઇન્ટ થશે તો પણ સૌરાષ્ટ્રને ક્વૉર્ટરમાં જવા મળશે, કારણ કે હેડ-ટુ-હેડ મુકાબલામાં મુંબઈની સૌરાષ્ટ્ર સામે હાર થઈ હતી.

રણજી ટ્રોફીમાં એકમાત્ર ટાઇ ૧૯૪૬માં સધર્ન પંજાબ અને બરોડા વચ્ચે થઈ હતી.

ગ્રુપ ‘સી’માં ઝારખંડ ઉપરાંત રાજસ્થાન, કેરલાને પણ ક્વૉર્ટરની તક છે.

૧૦૦ ટકા ફિટનેસ સૌથી પહેલો ઉદ્દેશ : કૅપ્ટન જાડેજા

ઑલરાઉન્ડર વીન્દ્ર જાડેજા આજે ચેન્નઈમાં તામિલનાડુ સામે શરૂ થતી રણજી મૅચમાં સૌરાષ્ટ્રની ટીમનું નેતૃત્વ કરશે. તેણે ગઈ કાલે નેટમાં એક કલાક પ્રૅક્ટિસ કરી હતી અને ટીમ સાથે વાતચીત કરીને મૅચ માટેનો વ્યૂહ ઘડ્યો હતો. ૬ મહિને કમબૅક કરી રહેલા જાડેજાએ પત્રકારોને કહ્યું હતું કે ‘ફરી મેદાન પર આવીને હું ખૂબ ખુશ છું. મૅચ શરૂ થાય એ માટે ઉત્સુક છું. મારો સૌથી પહેલો આશય ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ચાર મૅચની ટેસ્ટ-સિરીઝ માટે ૧૦૦ ટકા ફિટનેસ મેળવવાનો છે.’

24 January, 2023 12:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK